તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ

44

તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીના આ 9 લક્ષણો છે. તો ચાલો તમને તેના લક્ષણો અને તેના ઉપાયો વિષે જણાવીએ.

સ્વસ્થ અને નિરોગી શરીર માટે પૌષ્ટિક તત્વો ખુબજ જરૂરી છે. જો તમારા શરીરને ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્વો ન મળે તો કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા તથા શરીરની મુશ્કેલીઓ થવા લાગે છે. આવા પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીથી ચામડીની સમસ્યા, અપચો, વાળનું ખરવું, શરીરમાં કમજોરી, આંખોનું તેજ ઓછું થવું, (આંખોની દ્રષ્ટિ ઓછી થવી) યાદ શક્તિમાં ઘટાડો થવો, ( ભૂલવાની બીમારી) જેવી કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ અને આવી દરેક સમસ્યાઓને તમારું શરીર જાતે જ તમને સંકેત આપીને બતાવી દયે છે. જેને તમારે ઓળખતા શીખવું જોઈએ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ કે ખામીને લીધે શું તકલીફ થાય છે.

૧.) કેલ્શ્યમની ઉણપ કે ખામી.

કેલ્શ્યમ એક એવું પૌષ્ટિક તત્વ છે કે જે તમારા શરીર માટે ખુબજ જરૂરી તત્વ છે. બીજા પૌષ્ટિક તત્વોની માફક તમારા ભોજન કે આહારમાં કેલ્શ્યમની પણ અહમ ભૂમિકા રહેલી છે. હાડકાના મજબુત બંધારણ માટે અને દાંતોની મજબુતાઈ માટે કેલ્શ્યમ ખાસ જરૂરી છે. કેલ્શ્યમની ઉણપથી તમારા શરીરમાં સંવેદનશીલતા, હાડકાની નબળાઈ, માંસપેશીઓમાં સમન્વયની કે સ્થિરતાની સમસ્યા થવા લાગે છે. તમારી ઉંમર વધવાની સાથે આ મુશ્કેલીઓમાં કે સમસ્યાઓમાં વધારો થાય છે, જેથી શરીરના કષ્ટમાં વધારો થાય છે. જો તમારે આ ઉણપને દુર કરવી હોય તો તમારા આહારમાં આ પૌષ્ટિક તત્વોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે દૂધ, કેળા, અંજીર, લાલ મરી આઠથી દસ દાણા સુકો મેવો લેવો જોઈએ.

૨.) આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ.

આયર્ન એટલે કે લોહ તત્વ પણ તમારા શરીર માટે ખુબજ જરૂરી છે. લોહ તત્વ લોહીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી લોહીના પૂરવઠામાં વધારો થાય છે. લોહ તત્વની ઉણપથી કે ખામીથી એનીમિયા થઇ જાય છે. આ સિવાય તેની ખામીથી નખ અને તમારા ચહેરા પર પીળાશ દેખાવા લાગે છે. આંખોની આજુ બાજુ કાળા કુંડાળા થવા લાગે છે. અવાર નવાર ખુબજ થાક વર્તાવા લાગે છે. સામાન્ય થોડુક કામ કરતા પણ થાકી જવાય છે. આ બધી સમસ્યાઓ (સીમટમ્સ) બતાવે છે કે તમારા શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ કે ખામી છે. જો તમારે આ ઉણપને દુર કરવી હોય તો તમારા આહારમાં આ પૌષ્ટિક તત્વોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જેમ કે ખજુર, કાળી દ્રાક્ષ, તથા કેમિકલ વગરનો દેશી ગોળ. આ ઉપરાંત તમે રાત્રે એક ચમચી દેશી ગોળ એક વાટકામાં લઇ તેમાં ગોળ ડૂબે તેટલું પાણી નાખી, સવારે નરણા કોઠે તેને પી જવું.

૩.) ફોલિક એસિડની ખામી.

ગર્ભ ધારણ કરતા પહેલા મહિલાઓને ફોલિક એસિડનો વધારાનો ખોરાક લેવાની સલાહ ચિકિત્સક પણ આપે છે. જો શરીરમાં ફોલિક એસિડની ખામી હોય તો તેના કારણથી વાળ ખરી જવા, શરીરમાં તણાવનું રહેવું (ડિપ્રેશન), નકારાત્મક વિચારો આવવા, ભૂખ ઓછી લાગવી, ગભરાટ થવો, અનઅપેક્ષિત ઝાડા – ઉલટી થવા, થાક લાગવો, શરીરમાં નબળાઈ આવવી વગેરે જેવા લક્ષણો જણાવે છે કે તમારા શરીરમાં ફોલિક એસિડની ઉણપ છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં શતાવરી, કાળા કઠોળ, બ્રોકોલી, એવાકાડો, લીલા કઠોળ, પાંદડા વાળા લીલા શાકભાજી, બીટ, બદામ, અખરોટ, સ્ટ્રોબેરી, નારંગી, તરબૂચ વગેરે જેવા ખાદ્ય પદાર્થો આહારમાં લેવા જોઈએ.

૪.) વિટામીન “A”ની ખામી.

WHO (હુ) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ વિટામીન “A” ની ખામીને લીધે નાના બાળકોની આંખોની રોશની દિવસે ને દિવસે ઘટતી જાય છે. જેથી નાના બાળકો વિટામીન “A”ની ઉણપને કે ખામીને લીધે અંધત્વનો ભોગ કે શિકાર સૌથી વધુ થઇ રહ્યા છે. જો ગર્ભાવસ્થા દરમ્યાન માતાના શરીરમાં વિટામીન “A”ની ઉણપ હોય તો તેની અસર ગર્ભમાં રહેલા બાળકના આંખોની રોશની પર પડે છે. આ સિવાય જો વિટામીન “A” ની ખામી હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. હૃદય, ફેફસા અને કીડનીને પણ અસર કરે છે. શરીરમાં નવા કોષનાં ઉત્પાદનમાં ઘટ આવે છે. ગળામાં, છાતીમાં અને પેડુમાં ઇન્ફેકશન થવાની શક્યતાઓ વધી જાય છે.આ સિવાય ચામડી સુકી થવાની શક્યતાઓ રહે છે. અને પ્રજોત્પાદનમાં ખામી સર્જાય છે. બાળકોના વિકાસમાં અવરોધ ઉભો થાય છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં માખણ, દૂધ, ચીઝ, પપૈયું, પાકી કેરી, બ્રોકોલી, ગાજર, પમ્પ્કીન વગેરે ખાદ્ય પદાર્થો લેવા જોઈએ. જો વિટામીન “A” પુરતા પ્રમાણમાં લેવામાં આવે તો ફેફસા અને પ્રોસ્ટેટનું કેન્સર થતા અટકાવે છે.

૫.) વિટામીન “B”ની ખામી.

વિટામીન “B” ને વિટામીન બી કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવે છે. આ વિટામીન B કોમ્પ્લેકસના પેટા પ્રકાર પણ છે. જેમાં વિટામીન B-1, વિટામીન B-2, વિટામીન B-3, વિટામીન B-6, વિટામીન B-7, વિટામીન B-9 અને વિટામીન B-12 હોય છે. આ બધા જ વિટામીન તમારા શરીર માટે ખુબજ ઉપયોગી માનવામાં આવે છે. માથાના વાળ ખરવાની બાબતનું મુખ્ય કારણ શરીરમાં ફોલિક એસીડની ખામી સાથે વિટામીન B-12 ની ઉણપ પણ જવાબદાર છે. વિટામીન B-1 ની ખામીથી બેરીબેરી, વિટામીન B-3 ની ઉણપથી ડાયેરિયા, ડિમેન્શિયા અને ચામડીની સમસ્યાઓ થાય છે. વિટામીન B-9 ની ઉણપથી તમારું મગજ કમજોર પડે છે, યાદ શક્તિમાં ઘટાડો થાય છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં દહી, દૂધ, ચીઝ, સોયાબીનમાંથી બનેલી વસ્તુઓ, ઓટમીલ વગેરે પદાર્થો ખાવાના ઉપયોગમાં લેવા જોઈએ. જો દહીં લો ફેટ વાળું હોય એટલે કે ગાયના દૂધનું બનેલું દહીં હોય તો તે વધારે સારું માનવામાં આવે છે.

૬.) વિટામીન “D”ની ખામી.

કાઉન્સીલના કહેવા મુજબ વિટામીન “D” વિશ્વ ભરના લોકોમાંથી લગભગ 50% લોકોમાં વિટામીન “D”ની ઉણપ કે ખામી જોવામાં આવી છે. વિટામીન “D”ની ઉણપથી હાડકાને સંબંધિત કેટલીય સમસ્યાઓ કે મુશ્કેલીઓ થઇ રહી છે. તેમાં સૌથી સામાન્ય સમસ્યા ઓસ્ટીયોપોરોસીસ મુખ્ય છે. વિટામીન “D” શરીરના હાડકાના બંધારણ માટે ખાસ જરુરી છે. તમે ટટાર કે સીધા ઉભા રહી શકો છો તો તેનું મુખ્ય કારણ તમારા શરીરના હાડકાનું બંધારણ ખુબજ મજબુત છે. પણ જો તમારા શરીરના હાડકા નબળા, પોચા કે નરમ હોય તો તમે સીધા કે ટટાર ઉભા ન રહી શકો, ત્યારે સમજી લેવું કે તમારા શરીરમાં વિટામીન “D”ની ઉણપ છે. જો શરીરમાં વધારે પડતા વિટામીન “D”ની ખામી સર્જાય તો કેન્સર અને ડાયાબીટીસ થવાની પણ શક્યતા રહે છે. આ ખામીને દુર કરવા માટે સૌથી સારો અને ખર્ચ વિનાનો સરળ ઉપાય એટલે વહેલી સવારનો કુમળો તડકો. તમારા શરીર પર વહેલી સવારનો કુમળો તડકો પડવાથી તમારા શરીરના હાડકા આપોઆપ મજબુત બને છે કારણ કે વહેલી સવારના સૂર્યના કુમળા તડકાથી તમારા શરીરમાં વિટામીન “D” આપોઆપ બને છે. આ ઉપરાંત દૂધ, દહીં, ચીઝ, ઓરેન્જ જ્યુસ, મોસંબીનો રસ વગેરે પદાર્થનો ખોરાકમાં ઉપયોગ કરવાથી વિટામીન “D” મળે છે. ઉપરાંત મશરૂમમાંથી વિટામીન D-2 મળે છે. એક ખાસ અને અગત્યની સુચના કે વહેલી સવારનાં કુમળા તડકા સિવાય વિટામીન “D”ની કોઇપણ મેડીકલી દવા લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી ખાસ જરૂરી છે.

૭.) ફાઈબરની ખામી.

જો તમારૂ પાચનતંત્ર નબળું પડી ગયું હોય તો સમજવું કે તમારા શરીરમાં ફાઈબરની ઉણપ છે. આ ફાઈબરની ખામીથી તમે જે આહાર લ્યો છો તેનું  આસાનીથી પાચન થઇ શકતુ નથી. આ ઉપરાંત પેટને લગતી બીજી સમસ્યાઓ પણ થવા લાગે છે. ઉંમર વધવાની સાથે આ સમસ્યાઓ પણ વધારે ગંભીર થતી જાય છે. ખાસ કરીને 50 વર્ષની ઉમર પછી તમારા શરીરમાં જો ફાઈબરની ઉણપ હોય તો તે ખુબજ નુકશાન કારક થઇ શકે છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા આહારમાં પેર, સ્ટ્રોબેરી, એવાકાડો, સફરજન, કેળા, રાસબરી, બ્લ્યુ બેરી અને બ્લેક બેરી, ગાજર, બીટ, વાલ બ્રોકોલી, ઓટ, પોપકોર્ન, બદામ, શક્કરીયા એટલે કે રતાળુ ગાજર, ડાર્ક ચોકલેટ વગેરે લેવા જોઈએ. વજન ઘટાડવામાં, લોહીમાં સ્યુગરનું પ્રમાણ ઘટાડવામાં અને કબજિયાતમાં આ ફાઈબર ખુબજ ઉપયોગી છે.

૮.) સોડીયમની ખામી.

દરેક વ્યક્તિના શરીરમાં સોડીયમ સંવેદનાઓને વધારવાનું કામ કરે છે. જો તમારા શરીરમાં સોડીયમની ખામી થઇ જાય તો તેના કારણથી તમારી સુંઘવાની અને સ્વાદ પારખવાની સંવેદના ઓછી થઇ જાય છે. જેથી કોઇપણ પ્રકારનો સ્વાદ તમે આસાનીથી પારખી શકતા નથી. તમે માનતા હશો કે સોડીયમ એટલે કે મીઠું પણ ના, ખરેખર એવું નથી. સોડીયમ એટલે કે મિનરલ મતલબ કે ખનીજ તત્વો. સામાન્ય રીતે આ મિનરલ વત્તા – ઓછા પ્રમાણમાં દરેક ખાદ્ય પદાર્થમાંથી મળી શકે છે. અથવા ફૂડ પેકેટમાં બહારથી તેમાં ઉમેરવામાં આવે છે. આ ખામીને દુર કરવા માટે તમારે તમારા ભોજનમાં સેલરી, બીટ, દૂધ, વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. 75% સોડીયમ તમે જે પ્રોસેસ ફૂડ એટલે કે પેકેટ ફૂડ અને કેન ફૂડ ખાઓ છો તેમાં વધારે પડતું સોડીયમ હોય છે. જયારે તમે જે મીઠું ખાઓ છો તેમાં સોડીયમ અને ક્લોરાઈડ બંને હોય છે. વધારે પડતા સોડીયમથી હૃદયને અને કીડનીને નુકશાન થવાની શક્યતા પણ રહે છે.

૯.) અન્ય લક્ષણો.

આ બધી મુશ્કેલીઓ સિવાય પણ વ્યક્તિના શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપના બીજા પણ કેટલાક લક્ષણો જોવામાં આવે છે. જેમાં શરીરમાં કમજોરી, તણાવ, થાક લાગવો, વાળનું ખરવું, અપચો, ઊંઘ ન આવવી, હૃદયને લગતી સમસ્યા, શરીરના સાંધાઓમાં દુ:ખાવો થવો, હાડકામાં નબળાઈ, વગેરે જેવી તમારા શરીરને લગતી કેટલીય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. આ બધી સમસ્યામાંથી કોઇપણ સમસ્યા તમારા શરીરમાં થાય ત્યારે તમારું શરીર તમને આગોતરી જાણ કરે છે જેને સમજી ઓળખી તમારે તુર્તજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

મોટા ભાગની આ ઉણપ કે ખામીને દુર કરવા માટે જુદા જુદા પ્રકારના પૌષ્ટિક તત્વોવાળા ખોરાકની સાથે – સાથે તેને લગતા પૂરક ખોરાકનો પણ આહારમાં ઉપયોગ કરવો જોઈએ.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment