“વેજીટેબલ સાંભાર” તમે પણ બનાવી શકો છો અમારી આ રેસીપી જોઇને

55

ખરેખર આ વેજીટેબલ સાંભાર સાઉથ ઇન્ડિયન એટલે કે દક્ષીણ ભારતીય વાનગી છે. વેજીટેબલ સાંભાર દાળ અને મિક્સ કરેલ શાકભાજીઓથી બનાવવામાં આવે છે. તે એક મસાલેદાર વાનગી છે. જે સાઉથ ઇન્ડિયનના મોટા ભાગના લોકો નાસ્તામાં વેજીટેબલ સાંભારની સાથે ઈડલી, ઢોસા, બાફેલા ચોખા (ભાત), મેંદુ વડા વગેરેની સાથે ખાય છે. ભારતમાં જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ પ્રકારની ભાષા લોકબોલી હોવાથી વેજીટેબલ સાંભારને તામીલનાડુમાં કુજામ્બુ અને ઉત્તર ભારતમાં સાંભારના નામથી ઓળખવામાં આવે છે. વેજીટેબલ સાંભારને કોઇપણ નામથી ઓળખવામાં આવે પણ તેને બનાવવાની રીત રેસીપી એક સરખી જ છે. વેજીટેબલ સાંભાર બનાવવા માટે દાળ અને મિક્સ શાકભાજીને કુકરમાં બાફવામાં આવે છે. પછી તેમાં ટમેટા, ડુંગળી, આમલી, સાંભારનો મસાલા પાવડર તથા બીજા જરૂરીયાત મુજબના મસાલાના મિશ્રણ સાથે પકાવવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને વેજીટેબલ સાંભાર બનાવવાની રેસીપી જણાવીએ. વેજીટેબલ સાંભારની પૂર્વ તૈયારીનો સમય 10 મિનીટ. વેજીટેબલ સાંભારને પકાવવાનો સમય 25 થી 30 મિનીટ. વેજીટેબલ સાંભાર કેટલી વ્યક્તિ માટે 2 વ્યક્તિ.

વેજીટેબલ સાંભાર બનાવવાની સામગ્રી :

1/3કપ તુવેરદાળ, ¼ ટી સ્પૂન હળદર, 1 કપ સમારેલી મિક્સ શાકભાજી, ½ ટી સ્પૂન રાઈ, 5 થી 6 મીઠા લીમડાના પાન, 1 થી 2 સુકા લાલ મરચા, એક ચપટી હિંગ, બારીક સમારેલી મીડીયમ સાઈજની 1ડુંગળી (લગભગ 1/3 કપ જેટલી) 1 ટેબલ સ્પૂન સારી બ્રાન્ડનો સાંભાર મસાલા પાવડર, ½ ટેબલ સ્પૂન આંબલીયા (ઠળિયા)કાઢેલી આમલી, 1 ટમેટું બારીક સમારેલું (લગભગ 1/3 કપ જેટલું), 1 ટેબલ સ્પૂન તેલ, 2 કપ+ ½ કપ પાણી, 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર, અને મીઠું સ્વાદ અનુસાર.

ખાસ સુચના :

૧) શાકભાજીમાં તમે ફ્લાવર કોબી, શિમલા મરચા, મૂળો, બટેટા, રીંગણા, ફ્રેંચ બીન્સ, દુધી, ડુંગળી, ટમેટા, વગેરે જેવા શાકભાજીનું મિશ્રણ કરીને ઉપયોગ કરી શકો છો. પરંતુ આ બધી શાકભાજીમાંથી શક્ય હોય ત્યાં સુધી તમને પસંદ હોય તે 3 થી 4 શાકભાજીનો જ ઉપયોગ કરવો. સારો સાંભાર બનાવવા માટે ખુબજ વધારે શાકભાજીનો ઉપયોગ ન કરવો. ડુંગળીનો ઉપયોગ વઘાર કરવા માટે કરવો, પણ મિક્સ શાકભાજી સાથે ન કરવો.

૨) આ વેજીટેબલ સાંભાર રેસીપીમાં એક ડબ્બામાં સમારેલ મિક્સ શાકભાજીને ભરી તુવેરદાળની સાથે કુકરમાં પકાવવામાં આવે છે. પણ જો તમે તુવેરદાળની સાથે સમારેલ મિક્સ શાકભાજીને પકાવવા ઈચ્છતા ન હો તો એક કુકરમાં તુવેરદાળને અને બીજા કુકરમાં 1 કપ પાણી નાખી મિક્સ શાકભાજીને અલગથી બાફવા માટે એટલે કે પકાવવા માટે મુકવા.

૩) જો બીજું કુકર ન હોય તો દાળ બફાઈ ગયા પછી દાળને એક બાઉલમાં કાઢી લઇ તે કુકરમાં ફરીથી 1 કપ પાણી નાખી સમારેલ મિક્સ શાકભાજીને અલગથી બાફવા માટે એટલે કે પકાવવા માટે મૂકી શકો છો.

વેજીટેબલ સાંભાર બનાવવાની રીત :

૧.) સૌ પ્રથમ એક 3 લીટરના સ્ટીલના પ્રેશર કુકરમાં 1 થી 1 ½ કપ પાણી લઇ તેમાં ¼ ટી સ્પૂન હળદર નાખી 1/3 કપ તુવેરદાળ નાખો, અને સમારેલ મિક્સ શાકભાજી સમાઈ શકે તેવા ડબ્બામાં મિક્સ શાકભાજી મુકી આ ડબ્બાને પણ દાળ વાળા કુકરમાં સાથે અંદર મુકો. પછીકુકરનું ઢાકણું બંધ કરી તેને ગેસ પર મધ્યમ તાપ પર 3 થી 4 સીટી થાય ત્યાં સુધી રહેવા દયો.

૨.) આ દરમ્યાન આમલીનું પાણી તૈયાર કરવા માટે, ½ ટેબલ સ્પૂન આંબલીયા (ઠળિયા) કાઢેલી આમલી લઇ તેને 3 ટેબલ સ્પૂન ગરમ પાણીમાં 15 મિનીટ સુધી પલળવાદો. 15 મિનીટ પછી તેને હાથેથી મસળો કે પછી ગ્રાઈન્ડરથી ક્રશ કરો. આમલી ક્રશ થઇ જાય પછી તેને એક નાના બાઉલમાં ચાળણી લઇ ગાળી લો.

૩.) કુકરની 4 સીટી થઇ જાય પછી ગેસ બંધ કરી કુકરને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ થવા દયો. જ્યારે કુકરમાં વરાળનું પ્રેશર પૂરું થઇ જાય પછી તેનું ઢાકણું ખોલી તેમાં રહેલ મિક્સ શાકભાજીવાળો ડબ્બો બહાર કાઢી લો. અને કુકરમાં રહેલ દાળને ગ્રાઈન્ડરની મદદથી ક્રશ કરી લો.

૪.) હવે એક કડાઈ લઇ તેને ગેસ પર મૂકી તેમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખી ગેસને મધ્યમ તાપ પર ચાલુ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં ½ ટી સ્પૂન રાઈ નાખો. જયારે રાઈ તડતડ થાય અને ફૂટવા લાગે ત્યારે તેમાં 5 થી 6 મીઠા લીમડાના પાન, સુકું લાલ મરચું અને હિંગ નાખી તેને 10 થી 15 સેકંડ સુધી શેકાવા દયો.

૫.) પછી તેમાં બારીક સમારેલી મીડીયમ સાઈજની1 ડુંગળી (લગભગ1/3 કપ જેટલી) નાખી આ ડુંગળીને આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને પકાવા દયો.

૬.) આ ડુંગળી આછી ગુલાબી થાય પછી તેમાં ગાળીને બાઉલમાં બરેલ આમલીનું પાણી નાખી તેને પણ 2 થી 3 મિનીટ સુધી પકાવો.

૭.) તેમાં બારીક સમારેલું (લગભગ1/3 કપ જેટલું)1 ટમેટું નાખો. ટમેટું નરમ થઈને શેકાઈ જાય ત્યાં સુધી તેને પકાઓ.

૮.) પછી તેમાં સાંભાર મસાલા પાવડર નાખી તેને ચમચાથી સારી રીતે હલાવી એક મિનીટ સુધી પકાઓ.

૯.) હવે તેમાં બાફેલી અને ક્રશ કરેલી તુવેર દાળ, બાફેલી મિક્સ શાકભાજી, 1- ½ કપ પાણી, સુકા લાલ મરચાનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને સારી રીતે હલાવો.

૧૦.) પછી તેને લગભગ 5 થી 7 મિનીટ સુધી ઉકળવા દયો.

૧૧.) ત્યારબાદ ગેસને બંધ કરી આ સાંભારને એક મોટા બાઉલમાં કાઢી લઇ તેમાં 1 ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર નાખો.

૧૨.) હવે તમારો મસાલેદાર સાંભાર તૈયાર છે.

ખાસ નોંધ :

સાંભારની આ રેસિપીમાં ટેસ્ટ માટે આપણે ¼ કપ બટેટા, ¼ કપ રીંગણા, ¼ કપ ગાજર, ¼ કપફ્રેંચ બીન્સને ગણતરીમાં લીધી છે. બાકી તમને જે શાકભાજી પસંદ હોય તે લેવી. પણ ત્રણ થી ચાર શાકભાજી પસંદ કરવી. બટેટા, દુધી, રીંગણા અને ટામેટાને લઇ શકો છો.

સુચના અને વિવિધતા : 

૧.) તમે કોઈ સારી દુકાનેથી સારી બ્રાન્ડનો ખરીદેલો કે ઘરે બનાવેલો સાંભાર મસાલા પાવડરનો ઉપયોગ કરી શકો છો. સાંભારનો સ્વાદ સાંભાર મસાલા પાવડરની ગુણવત્તાઅને તેની સુગંધ પર આધાર રાખે છે. જેથી દુકાનેથી ખરીદેલ સારી બ્રાન્ડનો કે સારી ચીજ વસ્તીઓમાંથી ઘરે બનાવેલો સાંભાર મસાલા પાવડરનો જ ઉપયોગ કરવો.

૨.) જો તમે વધારે માત્રામાં સાંભાર બનાવતા હો તો સરળતા ખાતર દાળ અને મિક્સ શાકભાજીને જુદા જુદા બાફવા (પકાવવા) મુકવા. જો એક જ કુકર હોય તો દાળ અને શાકભાજીને વારાફરતી બાફવા માટે (પકાવવા માટે) મુકવા. એટલે કે પહેલા દાળને બાફી લઇ તેને એક બાઉલમાં કાઢી લેવી. પછી તે જ કુકરમાં મિક્સ શાકભાજીને બાફવા માટે મુકવી.

૩.) જો સાંભારને થોડો વધારે સ્પાઈસી (તીખો) બનાવવો હોય તો સાંભારની કોન્ટીટીને (જથ્થાને પ્રમાણને) ધ્યાનમાં રાખી 1 થી 2 સુરતી મરચાના ઉભા ચીરીયા કરી (ટુકડા કરવા નહિ) સાંભારમાં નાખવા. સુકા લાલ મરચાના પાવડરને પણ જરૂરિયાત પ્રમાણે નાખી શકાય છે.

પીરસવાની રીત :

નાસ્તામાં વેજીટેબલ સાંભારની સાથે ઈડલી, મેંદુ વડા, ઢોસા, બાફેલા ચોખા (ભાત), કાર પોંગલ વગેરેની સાથે પીરસી શકાય છે. તમે તેને બપોરના જમવામાં ભાતની સાથે પણ સાંભારને પીરસી શકો છો, ખાઈ શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment