ટેકનોલોજીની એક ખતરનાક આડઅસર છે નેટ જાળમાં ફસાયેલાઓની “એકલતા”

24

આમ જુઓ તો ટેકનોલોજીની શરૂઆત યુગો જૂની છે. પોતાનું કામ કઈ રીતે સહેલાઈથી, ખુબજ ટૂંકા સમયમાં અને સારી રીતે ચોકસાઈથી થાય તેના માટે મનુષ્ય સતત પ્રયત્નશીલ રહે છે. સ્વાસ્થ્ય, ઔષધી એટલે કે દવા, પરિવહન, અભ્યાસ, પર્યાવરણ, આનંદ-પ્રમોદ, યુધ્ધ, સંરક્ષણ, શાંતિ, અંતરીક્ષ, પ્રિન્ટીંગ, કોમ્યુનીકેશન વગેરે જેવા અનેક ક્ષેત્રમાં આપણે ટેકનોલોજીની આગવી અસરને સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ. અત્યારનો માણસ ચંદ્ર પર લટાર મારી આવ્યો છે, અને મંગળ પર જવાની તૈયારી કરી રહ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી અત્યારનો માનવી એટલે કે વૈજ્ઞાનિક લેટેસ્ટ અને આધુનિક પ્રયોગશાળામાં બાળકો પેદા કરવાની તૈયારી કરી રહ્યા છે. શક્ય છે કે ભવિષ્યમાં મશીનમાંથી માણસની ઝેરોક્ષ કોપી નીકળે તો નવાઈ નહિ !

આધુનિક ટેકનોલોજીમાં ઇન્ટરનેટની મદદથી એક ક્લિક અને માહિતીનો ઘૂઘવતો મહાસાગર તમારા મોબાઈલ, ટેબ, લેપટોપ કે પીસી પર દ્રશ્યમાન થાય. ખાસ વાત એ છે કે આવી બધી ટેકનોલોજીની એક ખતરનાક આડઅસર પણ છે, અને તે છે “એકલતા, એકલવાયું જીવન.” કોઇપણ વ્યક્તિ જો અંતર્મુખી કે એકાંકી હોય અને ભણતરની કે કોઈ વસ્તુ કે સિદ્ધિને પામવાની સાધના કરતો હોય તો તે અલગ બાબત છે, પરંતુ એકલો એકલો મોબાઈલ, ટેબ, લેપટોપ કે પીસીમાં ક્લિક ક્લિક કે ટચ ટચ કર્યા કરતો હોય અને પછી માનવ સમુદાયથી પોતે જ એકલો થઇ જાય તે ચિંતાનો વિષય છે. વોટ્સ એપ કે ફેસબુક પર અને આવી બીજી અનેક સાઈટ્સ પર વ્યક્તિને ઘણા મિત્રો હોય છે. તેના પર જાણીતા કે અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટા, વિડીયો, ટેક્સ્ટની આપ-લે કરતા હોય છે. આમ જુઓ તો આ એક ભાંમરીયો કુવો છે, વમળ છે, કળણ છે. જો તમે એમાં એક વાર ઘુસ્યા પછી તેમાં ઊંડા ને ઊંડા ઉતરતાજ જશો. અને પછી અજાણતાજ શરુ થાય છે એકલતાની આટી-ઘુટીના વિષચક્રની માયાજાળ, જેમાં શરુ થાય છે એક અંતહીન, અર્થહીન અને આત્મઘાતી સફર. જેનો અંત છેલ્લે તો વ્યક્તિને એકલતાની બીમારીમાં ધકેલે છે. ખાસ અગત્યની વાત તો એ છે કે આજના વર્તમાન સમયમાં વૃધ્ધો જે એકલતા અનુભવે છે તેના કરતા, અને તેનાથી પણ અનેક ગણી વધારે વોટ્સએપિયા, ફેસબુકીયા કે ઈન્ટરનેટીયાના આવા બે પગા પતંગિયા ખરેખર વધુ એકલતા અનુભવવા લાગ્યા છે.

આવા વોટ્સએપિયા, ફેસબુકીયા કે ઈન્ટરનેટીયાના બે પગારા પતંગિયાને સગા સબંધી, ઘર પરિવારના સભ્યો કે સાચા મિત્રો કરતા ઓનલાઈન વોટ્સએપિયા, ફેસબુકીયા કે ઈન્ટરનેટીયા મિત્રો વધુ સારા અને સાચા લાગે છે, અને વધારે ગમે છે. મોબાઈલની કે લેપટોપની સ્ક્રીન જ તેના માટે સર્વસ્વ બની જાય છે. તેની દુનિયા તેમાં સીમિત થઇ જાય છે. પછી તેને કોઈ મળવા આવે કે ઘરે કોઈ બેસવા આવે તો પણ તેને જરા પણ ગમે નહિ. ધીરે ધીરે આમ થવાથી તેનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે. સામાન્ય વાતમાં પણ તે કારણ વગરનો ગુસ્સે થઇ જાય છે. નાની નાની વાતમાં તે મમ્મી પપ્પાને પણ ધુત્કારી નાખે છે. તેને નાના મોટાની માન મર્યાદા રહેતી નથી. તેની ઈચ્છા મુજબ જ બધું થાય તેવી અપેક્ષા તે દરેક પાસે રાખે છે. આમ ધીરે ધીરે તે એકલતા નામના કલ્પિત સોનાના સળીયા વગરના પિંજરામાં ટૂંટિયુંવાળી પોતાના હાથના અંગુઠાનો નખ ચાવતો ચાવતો એકલો પડી રહે છે. ત્યાર પછી  એક સમય એવો આવે છે કે જ્યારે તેને ઠોકર લાગે ત્યારે તે એકલતાનો અનુભવ કરે છે. ત્યારે આવી એકલતા તેના માટે અભિશાપ સમાન સાબિત થાય છે અને પાછળથી તે ખુબ જ પસ્તાય છે. “चिड़िया चुग गई खेत फिर रोनेसे या पस्तानेसे क्या फायदा.”

તાજેતરમાં ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર યુનિવર્સીટી, ભ્રુનેલ યુનિવર્સીટી અને એક્સેટર યુનિવર્સીટીએ 16 અને તેથી વધુ ઉંમરના હજારો બાળકોનો, યુવાનોનો અને વ્યક્તિઓનો અભ્યાસ કર્યો. તેમાં જાણવા મળ્યું કે 16 થી 24 વર્ષ વચ્ચેની ઉંમરના લોકો એક પ્રકારના બદલાવનો અનુભવ કરતા હોય છે. પરીવર્તનનો આ કુદરતી તબક્કો તેના વ્યક્તિત્વને ઘણીવાર પૂરેપૂરો સંપૂર્ણપણે બદલી નાખે છે. અને આ સાથે તેની લાગણીઓ પણ બદલાઈ જાય છે. આવા સંજોગોમાં ત્યારનો સમય તેના માટે ખુબજ ખતરનાક સાબિત થાય છે. આવા સમયે તે વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી હોય છે, તે વ્યક્તિ મનથી શું અનુભવે છે તે જોઈએ.

આવા સમયે તે વ્યક્તિને સતત એમ લાગે છે કે, તેની સાથે વાત કરવા માટે કોઈ તૈયાર નથી કે કોઈ વાત કરવા માંગતું નથી. દુનિયા સાથે અને લોકો સાથે તેનો નાતો – સંબંધ તૂટી ગયો હોય તેવું તે મહેસુસ કરે છે. હવે આ સમયે તેને કોઈ બોલાવતું પણ ન હોય તેની અકળામણ થવા લાગે છે. માનસિક આઘાત લાગે છે, અંદરથી દુ:ખ થાય છે. માનસિક રીતે તે ભાંગી પડે છે. અને માનસિક બેચેની અનુભવે છે.ત્યારે -“जैसा बोया वैसा पाया.” “बोये बिज बबुल के आम कैसे खाए.”

હવે તો પશ્ચિમી દેશોમાં અને વિશ્વના બીજા અનેક દેશોમાં આવા વોટ્સએપિયા, ફેસબુકીયા કે ઈન્ટરનેટીયાના વધતા, વકરતા અને વકરાવતા રોગચાળા અને વ્યસનથી લોકોને બચાવવા માટે કલીનીકો ખુલવા લાગ્યા છે. ડોક્ટર કિંબેરલી યંગે તો 1995 માં ઇન્ટરનેટના પ્યાસી બંધાણીઓ માટે ધ સેન્ટર ફોર ઈન્ટરનેટ એડીકશનની શરૂઆત કરી હતી. પછી આ બાબતને ધ્યાનમાં રાખીને 1998 માં તેમણે “કોટ ઇન ધ નેટ” (Caught in the net) નામનું પુસ્તક પણ લખ્યું હતું.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment