“આઈ લવ યુ મોમ કમ ફ્રેન્ડ!” – વાંચો વાર્તા તૃપ્તિ ત્રિવેદીની કલમે લખાયેલ…

32

ઉજ્જ્વાલેએ ટી.વીમાં ન્યુઝ જોતા જોતાં જ બોલી, મમ્મી જો તો ખરી! કેટલાં જોર જોરથી સુનામીનાં મોજાઓ ઉછળી રહ્યા છે….આ ઇન્ડોનેશિયામાં ગઈકાલે જે સુનામી આવ્યો. તેનાં ન્યુઝ છે. ત્યાં તો અસંખ્ય લોકો આ સુનામીથી ઘરબાર વગરનાં થઈ ગયાં, ગણી પણ ન શકીએ તેટલાં લોકો સમુદ્રમાં ગરકાવ થઈ ગયાં…..ને હજી કેટલાં તો……!
ઉજવાલ્લાને વચ્ચે જ બોલતી અટકાવી …..અંજના બોલી : “આ સુનામીથી પીડિત લોકોને તો સરકાર ને અમુક સંસ્થા રાહત પણ મળશે!, પણ ક્યારેક જીવનમાં પણ આવી જ સુનામી આવી જતી હોય છે…..એમાં ક્યારેક કોઈ રાહતકાર્ય નથી થતું….આ સુનામીનાં મોજા તો સમી જશે, પણ જીવનમાં આવતી સુનામીનાં મોજા તો એવી ભરતી લઈને આવે છે કે, એમાં ક્યારેય ઓટ આવતી જ નથી.”

“મમ્મી …!”
અંજના આગળ એક શબ્દ નાં બોલી. એ નહોતી ઈચ્છતી કે એની વ્હાલી દીકરી પણ દુઃખી થાય. આજ સુધી ક્યારેય એણે એની દીકરીને દુઃખ શું છે? એની કલ્પના પણ નથી થવા દીધી…..અંજના એક માની ફરજની સાથે સાથે એક પિતાની પણ ફરજ અદા કરતી હતી.

સિંગલ મધરના સ્ટેટ્સ સાથે આ સમાજમાં રહેવું ખુબ જ અધરૂં છે…આપણો સમાજ, તેનાં રીત- રિવાજ આમ જોઈએ તો બધી રીતે સારા છે….પણ, એક સ્ત્રીનાં અધિકાર માટે, એની અમુક ઈચ્છાઓ માટે ક્યારેક સ્ત્રીનાં જીવનમાં નડતર રૂપ બનતાં હોય છે.

થોડી હળવાસ સાથે ઊભા થતાં થતાં અંજનાએ પૂછ્યું, “ઉજ્જુ તું કોફી પીશ?”
“યસ…….આમ પણ આજે મારો મૂડ એકદમ સ્ટ્રોંગ કોફી પીવાનો જ છે. મારા મનની વાત તારા હૈયે કેમ આવી જાય છે મમ્મી? ક્યારેય એવું નથી બન્યું કે મારી ઈચ્છાઓ મારે તને કહેવી પડે! શું માતૃત્વ આટલું બધું હ્રદયની નજીક હોય છે? જો કે, તું તો મારી બેસ્ટી છે….મોમ કમ ફ્રેન્ડ……લવ યુ મોમ…કહી, ઉજ્જવલા અંજનાને વળગી પડે છે.”
“મારી સ્વીટી, તું તો મારો શ્વાસ છે…ખ્યાલ જ હોય ને તારી આદતો, ને તારા સ્વપ્નાઓ ને તારી ઈચ્છાઓ……મને એ પણ ખ્યાલ છે કે, જયારે તું એકદમ ગંભીર થઈ ન્યુઝ જોતી હોય ત્યારે તને કોફી પીવાની ઈચ્છા થાય છે….દિકા, આદત ક્યારેય બદલાય છે?”

“મોમ………કાલે પુરુ આવે છે. નાવ હેપ્પી ……હેપ્પી …….હેપ્પી, જો એને હાલ જ મેસેજ આવ્યો.” એકદમ આશ્ચ્રર્ય સાથે આનંદિત થઈ ઉજ્જવલા બોલી.
“અરે વાહ, તો તો મારી દીકરી બે કપ કોફી પીશે.”
“હા, હો એ તો છે”
“મોમ, તું કાલે જોબ પર ન જતી. કદાચ પુરુ મેરેજની વાત કરવા જ આવે છે….એ મને કહેતો હતો કે, આ વખતે હું મોમ જોડે લગ્નનું મુર્હત ક્યારે જોવાડાવવું, એ વિષે વાત કરીશ.”

“એક હળવા ડૂસકા સાથે અંજના ખાલી , “હા” ભણી કોફી બનાવવા કિચનમાં જતી રહે છે.
“કોફી બનાવતાં બનાવતાં અંજના વિચારે ચડી જાય છે……સમય જતા ક્યા વાર લાગે છે.”
હજી એમ જ લાગે છે કે, ઉજવલ્લા હજી નાની જ છે. ક્યાંથી નાની હોય જ્યારે મારા જીવનમાં સુનામી આવેલ ત્યારે મારી ઢીંગલી પાંચ વર્ષની જ હતી….આજે એ પચ્ચીસની છે….પૂરા વીસ વર્ષ થઈ ગયાં છતાં પણ એની અસર મારા મન પર હજી એવી જ છે.

અંજના……

મને માફ કરજે! હું તને ખુશ નહિ રાખી શકું! હું બે બે સ્ત્રીને દુખી નહિ કરી શકું. મેં ભલે તારી જોડે મેરેજ કર્યા. હું સમાજની દૃષ્ટિએ એ જ તારો પતિ છું. પરંતુ હું પતિ ધર્મ નથી નિભાવી શકતો. બીજું કે ઉજ્જવલા આપણા જીવનમાં આવી. એ પણ કેમ આવી છે એ તું પણ જાણે છે ને હું પણ જાણું છું. હું પ્રિયાને અનહદ ચાહું છું…પ્રિયા વગર મારું જીવન જીવવું અશક્ય છે. હું મારી જિદગીની તારી પાસે ભીખ માંગુ છું……..જે તું જ આપી શકે છે……તું મને છૂટાછેડા આપી દે! તો હું મારી પ્રિયા સાથે લગ્ન કરી મારી જિંદગી જીવી શકું…….તું ઉજ્જવલાને ઈચ્છે તો તારી સાથે લઇ જઈ શકે છે…..તું ન ચાહે તો હું તેને રાખવા તૈયાર છું. પ્રિયા તેને પણ રાખવા તૈયાર છે.
લિ……સાગર

આજથી વીસ વર્ષ પહેલાં વહેલ પરોઢે વાંચેલ એ પત્ર અને ત્યારે જે મનોવ્યથા અનુભવી હતી એ એ દશ્ય વારંવાર ઉપસી આવે છે. સાગરનો એ પત્ર અંજનાની જિંદગીમાં સુનામી લઈને આવેલ. એ પત્ર વાંચીને ઘડીભર તો જાણે અંજનાના પગ ખોડાઈ ગયા હતા જમીન સાથે. એ સ્તબ્ધ બની ગઈ હતી. એની આંખો ફાટી ગઈ હતી.

હાંફળીફાંફળી થતી એ સડસડાટ રસોડાના પ્લેટફોર્મને અડકીને ઊભી રહી. એ હાંફતી હતી. આંસુઓ પરસેવો બનીને ફૂટી રહ્યા હતા એના શરીરમાંથી. સાડીના પાલવથી એણે કપાળ લૂછ્યું. ગળામાં અટકી ગયેલું ડૂસકું દડી પડે એ પહેલા એણે પાલવનો ડૂચો ધરી દીધો મોઢા પર. એણે જે જોયું હતું એ તેના માન્યામાં નહોતું આવતું પરંતુ સગી આંખેથી વાંચેલ એ પત્રનાં એક એક શબ્દોથી મન ચકરાવે ચઢ્યું હતું.
સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થયેલ ઉજજવલાને એ જોઈ રહી હતી……એને આગળ શું કરવું એ કશું સમજાતું ન હતું. પણ અચાનક જ એની આંખોમાંથી આંસુઓ લૂછીને ઉજ્જવલાને તેડીને પહેરેલ કપડે જ એ સાગરનાં ઘરમાંથી નીકળી ગયેલ.
‘મમ્મી….ઓ…મમ્મી…’, આપણે ક્યા જઈએ છીએ……?”
“ આપણી અલગ દુનિયા વસવાવા, બેટા” , એકદમ સ્ટ્રોંગ અવાજે મક્કમતાથી બોલી.

અચાનક જ અંજનાને આવેલી જોઇને ટી.વી જોઈ રહેલા પપ્પા, શાક સમારી રહેલાં તેના મમ્મી ને હાથ લૂછી રહેલી લીના આ બધા એકદમ આશ્ચર્યકિત થઇને અંજનાને આવકારી…..પણ એમના મનમાં નહિ પૂછાયેલ પ્રશ્નો અંજના પાણી પીતા પીતા વાંચી ગઈ….પાણી પીને એ એટલું જ બોલી કે હું અહિયાં થોડાં દિવસ રોકાવા આવી છું. મારું મગજ અત્યારે કશું વિચારી શકતું નથી. કે હું શું કરું? મમ્મી, પપ્પા, લીના પ્લીઝ મને હેલ્પ કરજો…..કે જ્યાં સુધી હું સામેથી તમને કશું ન કહું ત્યાં સુધી મને કશું નહિ પૂછો.

અંજનાના ઘરનું વાતાવરણ એકદમ હેલ્ધી હતું….ને બધા જ પ્રેક્ટીકલ હોવાથી કોઈએ અંજનાને કશું ન પૂછ્યું…આમ કરતા કરતા નવ મહિના ક્યા વીતી ગયા એની કોઈને પણ ખબર ન પડી….પરંતુ આ નવ મહિનામાં મનોમંથનથી અંજના નવો જ જન્મ લઇ ચૂકી હતી.
કોમ્પ્યૂટર કોર્સ કરીને એ હવે થોડી સક્ષમ થઇ ચૂકી હતી….એનો આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. એકાઉન્ટ શીખીને એ કોઈ કંપનીનું વર્ક પાર્ટ ટાઈમ કરીને એની વ્હાલી દીકરીનું પણ ધ્યાન રાખતા શીખી ગઈ હતી.

હવે એને ઘરે તેની અને સાગરની તમામ હકીકત કહેવાનું યોગ્ય લાગ્યું….એ આવી ત્યાર પછી નથી સાગર એને મળવા આવ્યો….કે નથી એવો કોઈ જ પ્રયત્ન કર્યો…..કે પછી નથી ક્યારેય અંજનાએ એવું ઈચ્છ્યું કે હવે સાગર એની કે ઉજવલ્લાની લાઇફમાં આવે.

“મોમ , જે નસીબમાં લખ્યું હતું એ થઇ ગયું. હું એ નસીબને યાદ કરી આંસુ વહાવવા નથી માંગતી….કે હું કોઈની આશ્રિત થઇ મારૂ જીવન પણ જીવવા નથી માંગતી. હું મારી દીકરીને લઈને મારી અલગ દુનિયા વસાવવા ઈચ્છું છું….હું સ્વનિર્ભર થઈને જીવવા માંગુ છું.”

“પણ………..બેટા સમાજ……”
હજી એના પપ્પા કશું બોલે એ પહેલા જ અંજના બોલી, “ પપ્પા, સમાજ છે જ નહિ..આપણે જેવું વિચારીએ એ જ સમાજ બની જાય છે. સમાજ એટલે આપણા વિચારો બસ.”

“મને અંજનાબેન પર ભરોષો છે પપ્પા. એ જે કરશે તે યોગ્ય જ હશે..તેઓ જે નિર્ણય લેવાના છે એમાં હું અને મિતેન એમને પૂરેપૂરો સાથ આપીશું.” , લીનાએ અંજનાનો હાથ પકડતા કહ્યું.

“હું પણ”, અંજનાની મમ્મી પણ બોલ્યા.
અંજનાને થોડો સાથ અને હૂફ ,મળતાં જ એની પાંખો ઉડવા ફેલાઈ એ ઉડવા લાગી……જ્યાં સુધી એને ઉડવું હોય ત્યાં સુધી ઉડવા વિશાલ આકાશ એની ફેમિલીએ એને આપ્યું હોય તેવું લાગ્યું.

હવે એને ઉજ્જ્વ્લાની ચિંતા ન હતી…..એની દીકરીને પાંચ ગણો પ્રેમ મળતો હતો. સમય જતા એને સારી કંપનીમાં જોબ મળી ગઈ…..પોતાનું એક સરસ ઘર પણ વસાવી લીધું…..ઉજ્જવલા પણ હવે મોટી થઇ ગઈ હતી….પરિવારની હૂફ ને સહકારમાં ક્યા સમય વીત્યો એની ખ્યાલ પણ ન રહ્યો….પણ રોજ એ પત્ર વાળી સવાર જરૂર પડતી એના જીવનમાં. એ પત્ર જ એની તાકાત બન્યો….એ પત્ર જ એનો આત્મવિશ્વાસ બન્યો હોય એવું એને સતત લાગ્યા કરતુ.

“મોમ………મોમ….કોફી બનાવે છે કે કોફીનું વાવેતર થાય છે. કિચનમાં, કેટલીવાર હું રાહ જોવું છું હો……હવે હું વધારે ઈન્તજાર નહિ કરી શકું.”
એકદમ જ ઉજુનો અવાજ કાને પડતાં એ ઝબકી ગઈ….વિચારોની લીંક ભૂતકાળમાંથી ટૂટીને વર્તમાન સાથે જોડાઈ ગઈ.

બે કપ કોફી લઈને અંજના હોલમાં પહોંચતા જ બોલી, “જી રાજકુમારી સાહિબા આપની બે ગરમા ગરમ કોફી હાજર છે……બીજી કોઈ ઈચ્છા હોય તો જરૂર જણાવી શકો છો.”
“વાહ……..શું વાત છે…..મારી મમ્મીની આ અદા તો આજે મેં પણ પહેલીવાર જોઈ. તું આમ જ ખુશ રહે બસ.”,કહી ઉજુ અંજનાને વળગી પડે છે.

“મોમ, તું ખુબ સ્ટ્રોંગ છે. હું પણ તારા જેવી જ સ્ટ્રોંગ બનીશ….તું આંસુઓને મારાથી નહિ છૂપાવી શકે હો….કેમકે તું મારી મોમ કરતા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. મને પ્રોમિસ કર કે તું આજ પછી ક્યારેય એ સાગરના સુનામીને યાદ નહિ કરે! તું શું સમજે છે કે હું હજી એ સ્કુલ ડ્રેસમાં સજ્જ ઉજ્જવલા છું કે મને કશી ખબર ન પડે? એ તારી દીકરી હતી……અત્યારે હું એક ફ્રેન્ડ છું…..મને ન કહે તો પણ હું સઘળું અનુભવું છું…..તારી એકલતા મહેસૂસ પણ કરી શકું છું.”

હું લગ્ન કરું એ પહેલા હું તારા હાથ પીળા કરવા માંગુ છું. કાલે પુરુ મારા નહિ તારા મેરેજ માટેની વાત કરવા આવે છે.. હું પુરુ સાથે લગ્ન ત્યારે જ કરીશ જ્યારે તું પણ તારી દુનિયા વસાવીસ. તે મારા માટે જ બીજા લગ્ન નથી કર્યા ને? જો તું મારા માટે આજીવન એકલતા અપનાવી શકતી હોય તો હું પણ…….એટલે પહેલાં તારે મેરેજ કરવાના પછી હું.
તું મારી મા કરતાં મારી મિત્ર વધારે છે…..

લવ યુ મોમ કમ ફ્રેન્ડ!
અંજના વરસી રહેલ આંખો સાથે તેની વ્હાલી દીકરીને ભેટી પડી!

લેખક : તૃપ્તિ ત્રિવેદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment