વિદેશમાં રહેતી એ યુવતી આજે પણ યાદ કરી રહી છે પોતાના વતનની અને પ્રેમની વાતો…લાગણીસભર વાર્તા…

34

મન, ગૂંચવાઈ ગયેલાં દોરા જેવું મન હોય છે. જો મનમાં વળેલી ગાંઠ છૂટે તો છૂટે નહીતર એ જ વળી ગયેલી ગાંઠમાં ને ગાંઠમાં આખી જિંદગી નીકળી જતી હોય છે.

ક્યારેક તો એવું પણ બનતું હોય છે કે જેટલું તમે મનમાં વળી ગયેલી ગાંઠને કાઢવાનો પ્રયત્ન કરો તેટલી જ વધારે ને વધારે ગૂંચ વળતી જાય છે. પછી ભલે ને એ મનની હોય કે યાદોની.

વ્યક્તિ જ્યારે સંબંધો બનાવે છે, સંબંધો કાયમ રાખવા માટે એની માવજત પણ કરે છે. પણ એને એ નથી ખબર હોતી કે એ જે સંબંધોને ફૂલની માફક સાચવી રહ્યો છે. એ જ સંબંધ ગૂંચવાયેલા દોરાની માફક પણ બની શકે છે. તમે ગમે તેટલું મથો પણ તમને ગૂંચવાયેલ સંબંધોની દોર મળે જ નહી…

ક્યારેક યુવાવસ્થામાં બાંધેલ સંબંધો આખી જિંદગી યાદ રહી જતાં હોય છે. એને યાદ કરતાં જ મન રોમાંચિત ને પ્રફુલ્લિત થઈ થનગની ઊઠે છે ને એ ભૂતકાળ મટી વર્તમાનમાં એ ક્ષણે જીવંત બની જતો હોય છે.

આવું જ આજે રુચીના જીવનમાં પણ બન્યું. અમેરીકામાં આલીશાન ઘરમાં રહેતી રુચી રોજ ઈંડિયામાં વીતેલા બચપનને યાદ કરીને એ અમેરિકા રહેતી હોવા છ્તાં એ રોજ જૂની યાદોને વાગોળી વાગોળી સાત સમુંદર પાર ઈન્ડિયા પહોંચી જતી.

મધ્યમ પરિવારમાં ઉછરેલી રુચીને જે સુખ એનાં પરિવારમાં મળ્યું હતું, જે જીવનનો આનંદ એને એના પરિવાર થકી મળ્યો હતો…એ આનંદ એની કરોડપતિ સાસરીમાં નથી મળતો. રસોઈઘરથી માંડી બાથરૂમ સુધીની યાદોમાં મસ્તી , પ્રેમ , હૂંફ અને લાગણીથી જ ભરેલી હતી યાદો.

એક જ બાથરૂમ , પાંચ ભાઈ બહેન સરખા સરખા હોવાથી બધાને કોલેજ અને સ્કૂલનો સમય સવારનો જ …બધાને સ્કૂલ કોલેજ જવામાં લેટ થાય. એટ્લે બધા જ ભાઈ બહેનની ઉઠી ઊઠીને બાથરૂમ પાસેની લાગેલી એ લાઈનો.

પછી નોટંકી કરી એકબીજાને ફોસલાવી એકબીજાનો ન્હાવાનો વારો લઈ લેવાનો…. એકબીજાના તૈયાર કરેલા લંચનાં ડબ્બાઓ લઈ લેવાના…પછી રુચીનો નાનો ભાઈ વીર તો સાંજે આ રુચીનું પરાક્રમ જોઈ હોમવર્ક કરતી શાંત બની બેઠેલી રુચીનો ચોટલો ખેંચી ખેંચીને હેરાન કરતો…”મમ્મી તું વીરને સમજાવ તો.. પછી હું પણ એને આમ જ હેરાન કરીશ હો..”.

ને મમ્મી અમારી આ તોફાની મસ્તી જોઈ કશું ન બોલે..એટલું તો રોજ કહે કે, “બધા સરખા છો, તોફાનમાં નંબર વન. હું જ કંટાળી જાવ છું..એક ને વઢાય …પણ તમે તો પાંચ પાંચ છો. કોને વઢવાનું ?”

હું જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ મારી અંદરની રુચી યુવાવસ્થામાં પહોચી ચૂકી હતી. મને પણ મન થાય કે સઘ્યસ્નાતાની જેમ હું પણ બાથરૂમમાથી નીકળી…અર્ધભીનાં મારા અંગો અને ભીનાં ભીના ને નીતરતાં મારા વાળને મિરરની છાયામાં ખુદને નિરખું…. પણ, એક રૂમ રસોડાના મકાનમાં એ શક્ય કેમ બને ? ને મારી દેતી મારી આ ઇચ્છાઓને. તોય રોજ આવી ઘણી ઇચ્છાઓ જન્મ લેતી.

રોજ રાત્રે આખા પરિવારને સાથે જમવા બેસવું… એ પરાણે પરાણે આગ્રહ કરીને વધૂ જમાડવું…હજી પણ એ જમવાનો આનંદ મને સાંજે ખિચડી ને કઢી ખાવામાં મળતો હતો…એ અહિયાં પીઝા બર્ગરમાં નથી મળતો.. જે આનંદ નીચે બેસીને જમવામાં મળતો હતો એ આનંદ આ કાચના ડાઈનિંગ ટેબલ પર બેસીને નથી મળતો.. આજેય મારુ મન એક કોળિયો એવી રીતે જમવા તરસે છે. એ પરિવારનો પ્રેમ, હૂંફ આજે પણ મને યાદ કરતાં જ એવી મહેસૂસ થાય છે… ક્યારેક તો એવું જ થતું કે શું હજી ત્યાં એવો સ્નેહ નીતરતા પ્રેમનું ઝરણું વહેતું હશે ?

ખરેખર મને મારા ઈંડિયામાં રહેતા બીજા ભાઈ બહેનની વધારે પડતી અદેખાઈ થાય છે.

મને હજી મારી એ સખી ભાવિકા ખૂબ યાદ આવે છે. હું ને ભાવિકા કોલેજનાં સમયમાં એકબીજાને મળ્યાં. ભાવિકા એવું તે શું જોઈ ગઈ હતી મારામાં કે અમે બંને એક જ વર્ષમાં આખી જિંદગી માટે બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. ભાવિકાનું ઘર ખૂબ જ મોટુ. એનો પોતાનો પ્રાઈવેટ રૂમ હોવાથી મારૂ અરીસામાં જોઈને ભીના ભીના વાળાને અને મને નિરખવાનું મારુ સ્વપ્ન પૂરું થયેલ. વાંચવાના બહાને હું એના ઘરે રોજ જતી. પછી અમે બંને એનું એક્ટિવા લઈને ક્યાય ને ક્યાય રોજ ફરવા જતાં. એ સમયે પર્સમાં સો રૂપિયા
હોય તો પણ બંને નેવું રૂપિયા તો વાપરી જ નાખતા. મારા ઘરેથી એક્દમ સિમ્પલ તૈયાર થઈને જવું ને એના ઘરે જઈને વાળ ખુલ્લા, લિપસ્ટિક લગાવવી ને ડ્રેસમાંથી જીન્સ પહેરી લેવું..આ બધી જ વાતો યાદ કરતાં મને હજી પણ હસવું આવે છે. કેવા કેવા નખરા કરતાં અમે બંને. અને એમાય છોકરાઓની ઉડાડવામાં તો બાકી જ ન રાખતા.
એના ઘરની એક ખૂબી. ભવિકાના ઘરે બધી જ વસ્તુઓ એક્દમ વ્યવસ્થિત ને યોગ્ય જગ્યાએ ગોઠવાયેલી રહેતી. મને એટ્લે જ એનું ઘર ત્યારે બહુ ગમતું.

હું ઘરે આવી મમ્મીને કહેતી, “મમ્મી, તમે ભવિકાના મમ્મી જેમ આપનું ઘર મોટું ને સગવડતા ભર્યું કેમ નથી લેતા ? પપ્પાને સમજાવોને !”

મમ્મી જવાબમાં ખાલી હકારમાં માથું જ હલાવતા …ને મૌન રહેતા. આજે આટલા વર્ષે મારા મમ્મીનું મૌન મને સમજાય છે. પપ્પાના એક જ પગારમાં અમારા બધા જ ભાઈ બહેનનો ભણવાનો ખર્ચ, આખા પરિવારની જવાબદારી ને મારે પાંચ ફોઇ. એટ્લે બધા જ ફોઈનાં ઘરનો વ્યવહાર પણ સંભાળવાનો… એમાં પગારમાંથી કશું વધતું જ નહી..તો ક્યાથી મમ્મી ને પાપા એમના શોખ પૂરા કરે ? અમારા શોખ જ પૂરા કર્યા. સારું ભણાવ્યા બધા ભાઈ બહેનને….સારામાં સારી જગ્યાએ બધાને યોગ્ય પાત્ર ગોતીને પરણાવ્યા…આજે હું જે કઈ સુખી છુ એ મારા મમ્મી પપ્પાએ આપેલ એમના મોજ શોખના બલિદાનથી જ … જો એમને અમારા પીઆર યોગ્ય ધ્યાન ન રાખ્યું હોત, યોગ્ય કેળવણી ન આપી હોત તો આ સમયે હું અહિયાં આટલું સરસ રીતે ઘર ન સંભાળી શકી હોત !

મમ્મીની યાદ આવતા જ રુચી રસોડામાં ગઈ ને બે કપ કોફી બનાવી ને બંને કપ કોફીના લઈને બેડરૂમમાં એક જૂનું આલ્બમ કાઢ્યું જેમાં બધાના ફોટાઓ હતા. કલાકો સુધી એ ફોટાઓ જોતી ગઈ ને આંખોમાંથી યાદોનો વરસાદ વરસાવતી રહી.

ત્યાં જ એક ફોટા પર એનું ધ્યાન ગયું. એ ફોટો હતો ભવિકાનાં ભાઇ વિરલનો . વિરલનો એકવડિયો બાંધો, ભૂરી ભૂરી ને ચમકતી આંખો… કોઈપણ છોકરી જોતાં જ એના પ્રેમમાં પડે એવો ગાંધર્વ જેવો એ નમણો ને રૂપાળો.

હજી મને યાદ છે. આ ફોટો લીધો હતો ત્યારની ક્ષણ હું ને ભાવીકા ગાર્ડનમાં મસ્તી કરતાં હતા. ને ગાર્ડનમાં રાખેલ હીંચકા પર..ને ત્યાં જ અચાનક લાઇટનો પ્રકાશ પડ્યો ને ક્લિક એવો અવાજ આવ્યો.

હું એક્દમ ગભરાઈ ગઈ. જોયું તો આંખો પર ચશ્મા ચડાવેલ ને બ્લૂ કલરનાં જીન્સમાં સજ્જ પણ એના પગ તો એટલા ગંદા ગંદા કે વાત જ ના પૂછો.

હું તો ગુસ્સે જ થઈ ગઈ. મે ગુસ્સાથી કહ્યું આ શું કરે છે. આમ છાનામાના કોઈના ફોટા પડાય ? કોમન સેન્સ છે કે નહી !.
ઑ, હેલ્લો…… મને તમારા ફોટા પાડવાનો કોઈ શોખ નથી. ઑ.કે ..આ તો મને થયું કે તમારા બંનેની યાદી રહે એટ્લે…બાકી એકવાર અરીસામાં જઈને મોઢું જોઈ આવ એટ્લે તને ખ્યાલ આવે કે તું અપ્સરા છો કે ડાકણ …!!! , વિરલ કેમેરાને રુચીના હાથમાં જોરથી આપ્યો ને આટલું બોલતા બોલતા હીંચકા પર બિન્દાસ બેસી ગયો ..

“શું કહ્યું ??? ફરી બોલ એટ્લે તારી ખબર…તારા પગ જો કેવા રાક્ષસ જેવા છે…પોતાના ઠેકાણા નહી ને મને ડાકણ કહેવા વાળો આવ્યો મોટો ન હોય એવો …”, રૂચીએ મોઢું ચડાવી ગુસ્સાથી લાલ આંખ કરીને બોલી વિરલ સામે જોઈને..

ભાવિકા , “ હે ભગવાન, આ બંને ક્યાથી ભેગા થયા ? લોઢે લોઢું છે…, “
આ લડાઈ પછી હું ને વિરલ બેસ્ટ ફ્રેન્ડ બન્યા ને ત્યાર પછી એ જેટલી મારી નજીક આવ્યો એટલું નજીક કોઈ નથી આવ્યું મારી…

કાશ …!!! …..કેવા મારા નસીબ ..!

વિરલની યાદ આવતા જ રુચી એક્દમ ઢીલી ઢફ થઈ જાય છે. આંખે અંધારા આવવા લાગ્યા…હજી મને એ દિવસ યાદ છે જ્યારે હું અને વિરલ છેલ્લીવાર મળેલા એ ટાગોર ગાર્ડનમાં…ખૂબ મસ્તી કરેલી..મજાક પણ એટલી જ કરી. એના ઘરેથી અમારી સગાઈ માટે હા હતી. એના મમ્મી પપ્પા અમારી સગાઈની વાત કરવા એક વીક પછી આવવાના જ હતા…હું ખરેખર ખૂબ ખુશ હતી. મને મારા સ્વપ્નનો રાજકુમાર મળવાનો હતો. તો ભલા હું ખુશ કેમ ના હોય ??

જ્યારે અમે છૂટ્ટા પડ્યા ત્યારે હું એને અનિમેષ નજરે જોયા જ કરતી હતી. મને સામેથી આવતો ટ્રક દેખાયો જ નહી. ને એનું ધ્યાન મારા તરફ જ હતું..એને પૂર ઝડપે આવતા ટ્રકને જોયો ને દોડીને મને રસ્તા પરથી ધક્કો દીધો કે હું ફૂટપાથ પર પડી ગઈ ને એ ટ્રકે વિરલનો જીવ લીધો …

આટલા વર્ષો થયા પણ હું તારા પ્રેમને નથી ભૂલી શકી !! મને તારા જેવો પ્રેમ કોઈએ કર્યો જ નથી !! હું હજી તારી રાહ જોવું છુ…ને રોજ આ ફોટા જોઈ યાદોને વાગોળી જીવંત કરી હું જીવી રહી છુ.

યાદો પણ કેવી અજીબ હોય છે નહી ? કાં’ લોકોને જીવાડે કાં લોકોનો જીવ લે !

||અસ્તુ ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment