વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ રેસીપી

159

વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ભારતની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તેમાં મસળેલા બાફેલા બટેટાનો મસાલો, ટમેટાની અને ડુંગળીની સ્લાઈસ, અને કેપ્સીકમની ઉપર ચાટ  મસાલો છાટીને બટર અને લીલીચટણી લગાવેલ બ્રેડની સ્લાઈસની વચ્ચે મુકીને તેને સેન્ડવીચ મેકરના મશીનમાં મુકીને પકાવવામાં આવે છે. આ સેન્ડવિચને બનાવવાની રીત ખુબજ સરળ અને આસન છે. આ સેન્ડવિચ શરૂઆતથી અંત સુધીમાં લગભગ 35 મિનીટમાં તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે અમે તમને વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચની રેસીપી જણાવીએ. વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવવા માટે પૂર્વ તૈયારીને લાગતો સમય 15 મિનીટ. વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચને પકાવવા માટે લાગતો સમય 20 મિનીટ. કેટલી વ્યક્તિ માટે 3 વ્યક્તિ માટે, 3 સેન્ડવિચ.

વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી :

6 નંગ બ્રેડની સ્લાઈસ, 1/3 કપ લીલી કોથમીરની ચટણી, ગોળ ગોળ સ્લાઈસમાં કાપેલ 1 નંગ ટમેટું, ગોળ ગોળ સ્લાઈસમાં કાપેલ 1 નંગ ડુંગળી, લંબાઈમાં કાપેલ ½ કેપ્સીકમ, ½ ટી સ્પૂન ચાટ મસાલો, ½ ટી સ્પૂન મરી પાવડર, બ્રેડની સ્લાઈસ પર લગાવવા માટે 3 થી 4 ટેબલ સ્પૂન બટર (પસંદગી પ્રમાણે વધારે કે ઓછું) અનેસ્વાદ અનુસાર મીઠું.

બટેટાનો મસાલો બનાવવા માટે :

બાફેલા અને છાલ ઉતારેલા 3 નંગ બટેટા (લગભગ 350 ગ્રામ), બારીક સમારેલી મીડીયમ સાઈઝની 1 ડુંગળી, 1 થી2 બારીક સમારેલા લીલા મરચા, 1ટેબલ સ્પૂન તેલ, 1 ટી સ્પૂન રાઈ, ½ ટી સ્પૂન હળદર પાવડર, 1 ટી સ્પૂન લીંબુનો રસ (સ્વાદ અનુસાર) 3 થી 4 ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર (ધાણાભાજી).

વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ બનાવવા માટેની રીત :

૧.) સ્ટીલના એક કુકરમાં 1 ½ કપ પાણીમાં ¼ ટી સ્પૂન મીઠું નાખી તેમાં લગભગ 350 ગ્રામ થાય તેટલા (આશરે 3 નંગ) બટેટા મૂકી કુકરનું ઢાકનું બંધ કરી તેને ગેસ પર મૂકી, ગેસ ચાલુ કરી કુકરની 4 થી 5 સીટી થાય ત્યાં સુધી ગેસને મધ્યમ તાપ પર ચાલુ રાખો. બટેટા બફાઈ જાય (પકાવાઈ જાય) ત્યાં સુધીમાં જરૂરીયાત મુજબ આદુ, કોથમીર, લીલા મરચાની ચટણી સ્વાદ અને પસંદગી અનુસાર બનાવી લેવી.

૨.) કુકરની 4 થી 5 સીટી થયા બાદ ગેસ પરથી કુકરને નીચે ઉતારી લો અને તેની વરાળને ઠરવા દયો.

૩.) કુકરની વરાળ નીકળી જાય પછી તેનું ઢાકણું ખોલી એક બાઉલમાં બટેટા કાઢી લો. પછી બટેટાની છાલ ઉતારી બટેટાને એક કથરોટમાં મૂકી તેને મેસરથી કે એક નાના બાઉલના (વાટકાના) તળિયાથી દબાવી તેનો માવો બનાવી લો. માવો કેટલા પ્રમાણમાં ખારો છે તે ચાખી જોવો. જો સ્વાદમાં મીઠું ઓછું લાગે તો ક્રમ નંબર 7 મુજબ મીઠું નાખવું.

૪.) હવે એક નોન સ્ટીક પેન કે કડાઈ લઇ તેને ગેસ પર મૂકી તેમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખી તેલને ગરમ કરો. તેલ ગરમ થઇ જાય પછી તેમાં 1 ટી સ્પૂન રાઈ નાખો. જયારે રાઈ શેકાઈને તડતડ થાય ત્યારે તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખો.

૫.) જયારે ડુંગળી ગુલાબી રંગની થાય પછી તેમાં ½ ટી સ્પૂન હળદરનો પાવડર નાખી તેને ચમચાથી સારી રીતે હલાવીને 1 મિનીટ સુધી ગેસ પર પકાવો.

૬.) હવે તેમાં બાફેલા બટેટાને છૂંદીને તૈયાર કરેલો માવો, બારીક સમારેલી કોથમીર અને 1 ટી સ્પૂન લીંબુનો રસ નાખો. તમે જો બટેટાને કુકરમાં બાફવા મુકતી વખતે કુકરના પાણીમાં મીઠું ન નાખ્યું હોય તો સ્વાદ અનુસાર મીઠું નાખવું.

૭.) તેને ચમચાથી સારી રીતે હલાવીને 1 મિનીટ સુધી ગેસ પર પકાવી ગેસને બંધ કરી દયો.

૮.) હવે સેન્ડવીચ બનાવવા માટે તમારો બટેટાનો મસાલો તૈયાર છે.

૯.) હવે બ્રેડની દરેક સ્લાઈસ પર એક બાજુ ચપ્પુથી એક સરખી રીતે બટર લગાવો.

૧૦.) બ્રેડની દરેક સ્લાઈસ પર એક બાજુ બટર લગાવેલ છે તેના પર 1 ટેબલ સ્પૂન જેટલી અથવા સ્વાદ અનુસાર કોથમીર મરચાની બનાવેલ લીલી ચટણી લગાઓ.

૧૧.) હવે બટર ચટણી લગાવેલી બ્રેડની એક સ્લાઈસ પર બટેટાનો તૈયાર થયેલો મસાલો 3 થી 4 ટેબલ સ્પૂન મૂકી તેના પર 2 થી 3 નંગ ટમેટાની સ્લાઈસ અને 2 થી 3 નંગ ડુંગળીની સ્લાઈસ રાખો.

૧૨.) હવે તેના પર કેપ્સીકમની સ્લાઈસ રાખી તેના પર થોડોક ચાટ મસાલો છાંટો. તેના પર એક ચપટી કાલા મરીનો પાવડર અને મીઠું છાંટો.

૧૩.) હવે આ તૈયાર થયેલ મસાલા બ્રેડની સ્લાઈસની ઉપર બીજી ફક્ત બટર અને ચટણી લગાવેલ બ્રેડની સ્લાઈસ બટર અને ચટણી અંદરની તરફ રહે તેમ મુકો. પછી બ્રેડની સ્લાઈસની ઉપરની બાજુ પર ફક્ત બટર લગાવો. ઉપરની બાજુ બટર લગાવવાથી બ્રેડનો ઉપરનો ભાગ કરકરો થશે.

૧૪.) ઇલેક્ટ્રિકટોસ્ટરને ચાલુ કરી તેને પહેલા ગરમ થવા દો. ગરમ થઇ જાય પછી તેમાં બ્રેડની બે સ્લાઈસ વચ્ચે મસાલો મૂકી તૈયાર કરેલ બ્રેડ મુકો અને ટોસ્ટરને બંધ કરો

૧૫.) બ્રેડની બંને સાઈડ કુરકુરી અને આછી સોનેરી રંગની થાય ત્યાં સુધી તેને ટોસ્ટ કરો. ( બ્રેડની સ્લાઈસને ટોસ્ટ કરવા માટે સેન્ડવીચ ટોસ્ટ મેકરની સૂચનાનું પાલન કરવું ).

૧૬.) બ્રેડની બંને સાઈડ કુરકુરી અને આછી સોનેરી રંગની થાય પછી સેન્ડવીચને ટોસ્ટર માંથી બહાર કાઢી લો. અને તેના પર ફરીથી થોડુક બટર લગાવી તેના પર થોડોક ચાટ મસાલો છાટો અને તેને ટમેટા કેચપ, લીલી ચટણી અને ચણાના લોટની બનાવેલ સેવ સાથે ગરમા ગરમ ખાઓ અને મહેમાનને પણ પીરસો.

સુચના અને વિવિધતા :

બ્રેડની દરેક સ્લાઈસ પર બટર લગાવવાનું ન ભૂલશો. તેમ કરવાથી બ્રેડની સ્લાઈસ ભેજવાળી ભીની અને નરમ થશે નહિ. તમે વેજીટેબલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ કોઇપણ જાતના લીલા શાકભાજી વિના પણ બનાવી શકો છો. ફક્ત બાફેલા બટેટાના માવાના મસાલાને બ્રેડની સ્લાઈસ વચ્ચે મુકો. ચીઝ સેન્ડવીચ બનાવવા માટે (ક્રમ નંબર 14 માં દર્શાવેલ ફક્ત બટર અને ચટણી લગાવેલ બ્રેડની સ્લાઈસ બટર અને ચટણી અંદરની તરફ રહે તેમ મુકોની જગ્યાએ) બટરના બદલે સાદુ ચીઝ અથવા ગ્રેવી કરેલ કે પેસ્ટ કરેલ ચીઝબ્રેડની સ્લાઈસ પર લગાવી તે સાઈડ અંદરની તરફ રહે તેમ મુકવી. તમે સેન્ડવીચ ટોસ્ટ કરવા માટે ઇલેક્ટ્રિક સેન્ડવીચ ટોસ્ટર, ગ્રીલવાળું ટોસ્ટર કે ગેસની ઉપર રાખવાનું સેન્ડવીચ ટોસ્ટર પણ ઉપયોગમાં લઇ શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment