કૃષ્ણને સોળ હજાર રાણીઓ હતી એ તો બધા જાણે જ છે પણ એની પાછળનું રહસ્ય તમને ખબર છે ??

46

આપણે ઘણી વખત સાંભળ્યુ હશે કે કૃષ્ણ તો રંગીલા હતા એટલે સોળ હજાર રાણીઓ સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ એમને ચોક્ક્સ આ સત્ય વીશે જાણ નહી જ હોય. કૃષ્ણએ શા માટે સોળ સોળ હજાર પટરાણીઓ બનાવવી પડી હતી અને એની પાછળની રહસ્યમય વાર્તા શું છે એ જાણીએ આ લેખમાં….

સત્યુગના સમયમાં નર અને નારાયણ નામના બે ૠષિઓ હતા. નર નારાયણ વિષ્ણુ ભગવાનના જ એક અવતાર હતા. બંને ઋષિઓને એક વખત તપ કરવાનું મન થયું અને પવિત્ર તીર્થ બદ્રિનાથ જઈ એમને એક હજાર વર્ષ સુધી તપ કર્યું. એમના તપને કારણે બદ્રિનાથ સહિત આજુબાજુનો વિસ્તાર અત્યંત પવિત્ર થઈ ગયો હતો.

જેમ દરેક સારાં કાર્ય પાછળ કોઈને ઈર્ષા થતી જ હોય છે તેમ સ્વર્ગના રાજા ઈન્દ્રને નર અને નારાયણના તપથી ઈર્ષા થવા લાગી અને એક ડર પણ આવવા લાગ્યો કે જો નર અને નારાયણ વધુ તપ કરશે તો તે સ્વર્ગલોક પચાવી પાડશે અને પોતાની રાજગાદી જતી રહેશે. તેથી ઈન્દ્રદેવે બદ્રિનાથ જઈ નર અને નારાયણનું તપ ભંગ કરવાનું નક્કી કર્યું. નર અને નારાયણ જે સ્થળે તપ કરતા હતાં ત્યાં પહોંચી જઈ ઈન્દ્રદેવે પોતાની દૈવી માયા ફેલાવી, નર અને નારાયણની ચારે તરફ આગ, વાવઝોડું, વરસાદ જેવા અનેક દૃશ્યો ત્યાં બનાવ્યા પરંતુ નર અને નારાયણનું પુણ્ય એટલું વિશાળ હતું કે ઈન્દ્રની માયાથી એમને કંઈ ફરક ન પડ્યો. ઈન્દ્ર ભલે સ્વર્ગના રાજા હોય પરંતુ જ્યા સત્ય હોય ત્યાં ઈર્ષ્યા હમેશા નબળી પડે છે. ઈન્દ્ર નીરાશ થઈને પોતાના રાજ્ય સ્વર્ગલોકમાં પાછા ફર્યા.

પણ આ રહ્યા સ્વર્ગના રાજા એમને પોતાની હાર સહન ના થઈ અને ઉપરથી સ્વર્ગની ગાદી જતી રહેવાનો ડર. એટલે કોઈપણ રીતે નર નારાયણનું તપ ભંગ થાય એ વિશે સતત વિચારમા રહ્યા અને અંતે એમને એક પોતાનુ બ્રહ્માસ્ત્ર કહી શકાય એવા કામદેવને બોલાવ્યા કારણ કે મોહથી કોઈને મોહી ન શકાય એમને કામ બતાવીને તો વશમાં કરી જ શકાય. એટલે એમણે કામદેવ, રતી અને વસંતને બોલાવી નર અને નારાયણનું તપ ભંગ થાય એ માટે કોઈ ચાલ રમવા કહ્યું. થોડી ગંભીર વિચારણા પછી એ તમામ બદ્રિનાથ આવી પહોચ્યા. વસંત બદ્રિનાથમાં પહોંચી અને ચારેકોર ફેલાઈ ગઈ, બધા વૃક્ષો પર ફૂલ ઉગવા મંડ્યા, કોયલો ટહુકવા માંડી, ભમરાઓનો ગુંજારવ શરૂ થઈ ગયો, આખુંય વાતાવરણ મહેકી ઉઠ્યું જાણે પ્રકૃતિ સજીવન થઈને વ્યક્તિઓ સાથે વાત કરવા લાગી હોય આખુય વાતાવરણ મઘમઘી ઉઠ્યું કોઈની પણ ઊંઘ ઉડી જાય એવુ બહુ જ રમણીય વાતાવરણનું ત્યાં નિર્માણ થઈ ગયું.

આવા મંત્રમુગ્ધ કરી દે એવા વાતાવરણમાં કામદેવ અને એની પત્ની રતીએ નૃત્ય કરવાનું શરૂ કર્યું. કામદેવે પોતાના કામસૂત્રના આસનો નર અને નારાયણ સામે ભજવવાના શરુ કર્યા અને એમની સાથે આવેલી સ્વર્ગની સોળ હજાર અપ્સરાઓ પણ એમની આજુબાજુ ચારેતરફ ફેલાઈને નાચગાન કરવા લાગી. અત્યંત નાચગાન અને શોરબકોર થવાને કારણે નર અને નારાયણ તપમાંથી જાગી ગયા. એમણે આજુ બાજુ જોયું તો ઋતુ બદલાઈ ગઈ હતી, એટલે તપમાંથી જાગીને નારાયણે નરને પુછ્યું કે, “થોડા સમય પહેલા તો શિશિર ઋતુનો ભયાનક આતંક હતો ત્યાં આટલી જલ્દી વસંત કેવી રીતે આવી!” બંને ઋષિઓને ખુબ આશ્ચર્ય થતું હતું ત્યાં જ તેમને નાચી રહેલા કામદેવ નજરે પડ્યા. નરે નારાયણને કહ્યું કે, “જુઓ ત્યાં સામે કામદેવ પોતાની પત્ની સાથે નાચી રહ્યા છે. આ નક્કી આપણું તપ ભંગ કરાવવા માટેનું ઈન્દ્રનું કાવતરું હશે.”

નારાયણે જવાબ આપ્યો, “હા, મને પણ એવું જ લાગે છે, કામદેવ આપણું તપ ભાંગવા માટે કંઈ પણ કરી શકે છે. પરંતુ આપણે આ લોકોને પાઠ ભણાવવો જ જોઈએ. નહીતો વારંવાર આપણા તપની વચ્ચે આપણને હેરાન કરવા આવશે.” નરે પુછ્યું “પરંતુ આપણે આ લોકોને પાઠ ભણાવવા માટે શું કરી શકીએ?”

નરનો પ્રશ્ન સાંભળતા જ નારાયણે પોતાની સાથળ ચીરી અને સોળહજાર અપ્સરાઓને ઝાંખી પાડે એવી એક અપ્સરાનું સર્જન કર્યું. એ અપ્સરા નારાયણના ઉરુ એટલે કે સાથળમાંથી જન્મી હોવાને કારણે તેનું નામ ઉર્વશી પાડવામાં આવ્યું. ઉર્વશી અત્યંત સુંદર હતી સ્વર્ગની બધી અપ્સરાઓને ભેગી કરો અને જે સૌંદર્ય બને એના કરતા પણ વધુ સુંદરતા ઉર્વશીમાં હતી. ૠષિઓનો આ ચમત્કાર જોઈને બધાએ નાચગાન બંધ કરી દીધા. ઉર્વશીને જોઈને બધી અપ્સરાઓ ડઘાઈ ગઈ, આવું સૌંદર્ય એમણે ક્યારેય નહોતું જોયું. જે ઋષિ માત્ર પોતાની સાથળ ચીરીને આવી સુંદર સ્ત્રી જન્માવી શકતા હોય તો એમની સામે સ્વર્ગની અપ્સરાઓની શું વિસાત અને આવી સુંદરતા સામે કઈ સુંદરતા લાવીને તમે આમનું તપ ભંગ કરાવી શકો, આ બધુ વિચારીને બધી જ અપ્સરાઓને અત્યંત દુખ થયું પોતાની જાત માટે અને બધી અપ્સરાઓ શરમમાં ડૂબી ગઈ.

પછી બધી અપ્સરાઓ ભેગી થઈ અને નારાયણ પાસે ગઈ અને એમને તપમાં આ રીતે હેરાન કર્યા એ બદલ માફી માંગી. નારાયણને અપ્સરાઓની આ નિખાલસતા ગમી અને બધાને માફ કરી દીધા વળી અપ્સરાઓેએ સામેથી માફી માંગી એટલે અપ્સરાઓને કોઈ બીજી ઈચ્છા હોય તો એ પુરી કરી આપશે એવું વચન આપ્યુ. અપ્સરાઓએ કહ્યું કે “તમે બધી અપ્સરાને પરણી અને પત્નીનું સ્થાન આપો, અમે આજીવન તમારી સેવા કરવા માંગીએ છીએ.” નારાયણે કહ્યું કે, “આ જનમમાં તો અમે આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે તેથી આ જનમમાં તો લગ્ન નહી થઈ શકે. પરંતુ હું દ્વાપરયુગમાં કૃષ્ણ બનીને જનમવાનો છું, ત્યારે તમારા બધાનો ઉધ્ધાર કરીશ અને તમને દરેકને ત્યારે પરણીશ.”

આમ, સત્યુગમાં આપેલું વચન કૃષ્ણએ પાળ્યુ અને કળિયુગમાં જન્મીને દ્વારકાના રાજા બનીને સોળ હજાર રાણીઓ સાથે લગ્ન કર્યા….

લેખન : પાર્થ તરપરા 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment