ક્થા એક સ્ત્રી, ક્લંક અને સંજોગોની……લેખકની કટારે વાંચો એક સ્ત્રીની કહાણી

29

 આમ તો વાસંતી જેવી ક્ન્યાને વહુ બનાવવી કોને  ન ગમે ? માખણ જેવી સ્નિગ્ધ કાયા ઉપર અરવલ્લીની પર્વતમાળા  જેવા આર્ષક વળાંકો! મખમલના તાકા જેવી સ્કીન અને પૂનમની ચાંદનીના ટીપે ટીપે નવડાવી લીધા પછી કારતકના તડકામાં અંગનેકોરું પાડ્વા માટે ઊભી રાખ્યા પછી જે રીતે કાયા નિખરી રહે, તેવુ જ ઝળહળ રૂપ! હીરો જડેલી બે આંખો અને આખો ઉપર ચિતરેલા આઇબ્રોના બે મેઘધનુષ્ય! એટલે જ   રસ્તો હજી તેને જોવા આવેલ વિશાલ તેને પસંદ કરે, ન કરે એ પહેલા તો વિશાલના મમ્મી હંસાબેન તેને પસંદ કરી જ લીધી અને પોતાના પતિ જગતભાઈને આંખ મિંચકારી ‘મસ્ત છે’ નો ઇશારો પ્રગટ કર્યા વગર રહી જ ન શકયાં. એમનો ઈશારો જગત ભાઈ સિવાય ઉપસ્થિત સૌ કોઈ સમજી જ ગયા. ચા- નાસ્તો કરીને બંનેને અલાયદા ખંડમાં મોકલવામાં આવ્યા. પંદરેક મિનિટ પછી બને શરમાતા શરમાતા પાછા આવ્યા. ત્યાં ને  ત્યાં એકબીજાને ‘ગમે છે’ નો માંગલિક સ્વીકાર પણ થઈ ગયો.

અષાઢી  બીજે સગાઈ અને  દિવાળી ઉપર લગ્ન પણ ગોઠ્વાઈ ગયા. કારતક મહિનાની એક કામણગારી સાંજે, વાસંતીએ પરણીને ‘વડોદરિયા વિલા’ માં રૂમઝૂમ પગલે પ્રવેશ કર્યો ત્યારે સોળ જણાના સંયુકત કુટુંબના કલશોર વડે ગૂંજતા ‘વડોદરિયા વિલા’ બંગલામાં ઋતુઓની રાણી વસંતે આગમન કર્યુ હોય તેવો માહોલ છવાય વળ્યો. ઉપર નીચે થઇને બાર ઓરડાવાળા બંગલામાં રહેતા જગતભાઈથી નાના ત્રણેય ભાઇઓના રસોડા ભલે જુદાં હતાં પણ મન જુદાં થયા ન હતા. વિશાલ – ઐશ્ર્વર્યા,ઋષિ – વંદના, આકાશ – દીપા અને મેહુલ – સંજના નામે આઠ ભાઇ – બહેનોના સંસ્પર્શથી ધબકતું ઘર હતું. યુવાન જોડીઓમાં વાસંતીનું આગમન ઉષ્માપૂર્વક વધાવાઇ ગયું હતું. ચાર નાની નણંદ અને ત્રણ દિયર , ત્રણ કાકીજી –કાકાજી વતા સાસુ – સસરાનો બહોળો પરિવાર હતો. ઘરમાં આખો દિવસ ‘વાસંતી’ ‘વાસંતી’ થતું હતું. નાના દીયર – નણંદ આખો દિવસ ‘ભાભી’ ‘ભાભી’ કરતા અડધા થઇ જતા હતા. પંદર દિવસમાં તો વાસંતીએ સૌનું દિલ જીતી લીધું. નણંદો એની પાસેથી આણામાં લાવેલ  ડ્રેસ પહેરવા લઇ જતી હતી અને દિયરો સ્પ્રે, પરફયુમ કે ઇર્મ્પોર્ટડ સુગંધ બાથસોપ નહાવા માટે લઇ જતા હતા. વિશાલને કશું જ કહેવું પડે તેમ ન હતું વાસંતીની કુટુંબભાવના પ્રેમ, લાગણી જોઇને તે ગર્વ મહેસૂસ કરતો. અને હંસા બેન- જગતભાઇને તો વાસંતીની બનાવેલ રસોઇ જમીને અમીનાં ઓડકાર આવતા.

 વાસંતીને પણ આવું સ્નેહાળ સાસરું  મળ્યાનો સંતોષ હતો. તો સાથોસાથ વિશાલનો અઢળક પ્રેમ પામીને તે અત્યંત સંતૃપ્ત હતી. વિશાલ તેને રોમરોમ વરસી પડતો અને હૈયાની હથેળીમાં રાખતો. તો ત્રણ કાકાજી અને કાકીજી પણ તેનું સન્માન કરતા! વાસંતી ખુશ હતી. પણ કાશ! આ ખુશી અકબંધ રહી હોત!

 લગ્નને એક મહિના થયો હશે ને એક બપોરે વાસંતીનો મોબાઇલ ગાજી ઊઠયો. સ્ક્રીન ઉપર દેખાયેલ નંબરના આંકડા જોઇને વાસંતી એક ક્ષણ તો થડ્કી ગઇ, છતા તેણે હિંમત એકઠી કરીને પૂછયૂં, ‘કોણ ?’ તો જવાબમાં એક અટ્ટહાસ્ય સંભળાયું, ‘બસ્સ? એક જ મહિનામાં ભૂલી ગઇ? અને  એ પણ મને? અરે, તારો સદાકાળ માશૂક રણજીત બોલું છું, પગલી?! તને ખબર છે કે એક મહિનો મેં કેમ કાઢ્યો છે? અરે, એક મહિનો એક જુગ જેવડો લાગ્યો છે.’

 ‘શટઅપ …’ વાસંતી આમતેમ જોઇ દબાતે અવાજે બોલી. ‘તું હવે પછી મને ફોન નહીં કરતો. હવે મારા મેરેજ થઇ ગયા છે.’

 ‘પણ મારા કયાં થયા છે? હું તો હજી રાત પડે ને તને યાદ કરું છું.’

 ‘યુ નોનસેન્સ! હું હવે ઔર ફસાવા નથી માગતી. તારા ગોરખઘંઘા જાણું છું. અને  એ  ગોરખઘંઘા હવે ઉઘાડા પાડીશ.’

 ‘ઓહો! તું તો સુધરી ગઇ…’ અટ્ટહાસ્ય કરતો રણજીત ખડખડાટ હસ્યો. ‘ગોરખઘંઘા ઉઘાડા પાડીશ તો તું પણ થોડી ઢંકાઇને  રહી શકીશ ? સાથોસાથ તું પણ ઉઘાડી જ પડીશને ? તેને યાદ છેને? કોલેજની હોસ્ટેલમાં એ રાત્રે તને તારી એક ફર્સ્ટકલાસ સી.ડી. બતાવી હતી એ ભૂલી ન જતી. નહીંતર તારો પતિ તને ભુલી જવામાં એક  સેકેન્ડ પણ વાર નહીં લગાડે.’

 ‘ઓ.કે. બોલ, મારે શું કરવાનું છે?’ વાસંતીએ હથિયાર હેઠા મુકી દીધા એટલે પેલો લબાડ લુચ્ચું હસ્યો, ‘હમ… તો હવે આવી ગઇ ગોરીની ગાડી પાટે…’ અને તેણે ચપટી વગાડી. ‘ખાસ કશું જ નહીં. પહેલા જેમ તારા ડેડને ત્યાંથી લાવતી એમ હવે તારા ‘મેડ’ ને ત્યાંથી ! પણ રૂપિયા પચાસ હજારથી ઓછું નહીં ખપે. રિમેમ્બર ઘેટ. હોટલ વ્હાઈટ રોઝ, રૂમ નં. ૩૦૩, તારીખ ચોથી ડિસેમ્બર , સમય સાંજે  ૪ થી ૬…’

 વાસંતીને પરસેવો વળી ગયો. રૂપિયા પચાસ હજાર …નહીં તો પોતાની સી.ડી… ધબકારાએ તેના શરીરને બાનમાં લઇ લીધું. તે હતાશ થઇ ગઇ શું કરવું? વેદના તેના બોડીલેંગ્વેજ પર તીવ્રપણે અસર કરી  રહી. હંસાબેહને તેને હાથ પકડીને પૂછયું પણ ખરું, બેટા, તને કશું થાય છે?’ નણંદ એશ્વ્રર્યાએ પણ કહ્યું, ‘ભાભી, બપોર પછી તમે નર્વસ કેમ થઇ ગયા છો? એવું હોય તો તમારા પપ્પાને ઘરે હું મૂકી જાઉ. ક્યાં દૂર છે? ગામમાં જ તો છે…’ પણ કૃત્રિમ પણે હસીને  વાસંતીએ કહ્યું. ‘ના રે, એવું કશું નથી. હું મૂડમાં જ છું,’

પણ રાત્રે પડખે સૂતેલા વિશાલથી તેની પરિસ્થિતિ ધ્યાન બહાર ન રહી. તેણે વાસંતીને પડખામાં ખેંચી, હાથના ઓશિકા ઉપર સૂવડાવી, ઉલઝી ગયેલી લટોને સંવારતા પ્રેમથી કહ્યું, ‘વાસંતી, તો કશુંક તો રોંગ થઇ રહ્યું છે, જેનાથી તું આટલી બધી વેદનાગ્રસ્ત છો, ડરેલી, ગભરાયેલી છો. તું તારા ઓરિજીનલ ગુલાબી રંગમાં નથીં. બોલ, સાચું શું છે? તને કોઇએ કશું કહ્યું? કોઇ બોલ્યું? મારાથી કંઇ ખોટું લાગ્યું?’

વાસંતીના અશ્રુબિંદુ બહાર ધસી આવ્યા, ‘ના, વિશાલ… તમારાથી કે કોઇથી મને  કશું જ દુ:ખ નથી લાગતું પણ…’

‘પણ …?’ વિશાલ ચિંતિત બન્યો.

‘જે કંઇ હોય એ મને નિર્ભિકપણે કહી દે. હું તારો પતિ પછી, પહેલા મિત્ર છું. તુ તારી વ્ય્થા મારી પાસે ઠાલવી દે. તારી કોઇ પણ ભૂલ કે મર્યાદા મને બાધંશે નહી. તું હળવી થઇ જા.’

વાસંતીએ વિશાલને બાથભરી રડતા સ્વરે કહ્યું. ‘વાત સાંભળીને તું મને છોડી તો નહીં દેને?’

વિશાલ તેને સહેલાવતા કહ્યું, ‘ ગોડ પ્રોમિસ. તને છોડવાની વાત એક કોર રહી, ભવિષ્યમાં એ બાબતના પડછાયાનો ભાર પણ નહીં પડવા દઉ.’ અને વાસંતી વિશાલની બાહુમા બંધાઇને રડી પડતા કહી રહી, ‘ કોલેજમાં હું આકાશ નામના એક છોકરાને ચાહતી હતી. બે વર્ષ સુધી અમારો સંબંધ રહ્યો પણ અમે મર્યાદાભંગ નહોતો કર્યો. એક દિવસ અમે સૂરપાણેશ્વર   સરોવર ફરવા ગયા હતા. સાજંનો સમય હતો. એકાંત હતું અને અમે બેઠા હતા એવામા મારી કોલેજના મવાલી ગણાતા રણજીત, અશ્વિન અને વિક્રમ આવી પહોંચ્યા. અમારી પાસે આવીને આકાશને સીધી મારપીટ શરૂ કરી અને મને.’ વાસંતી હિબકા ભરી રહી , ‘મારા વસ્ત્રો ઉતારીને મારા શરીર સાથે બળજબરી કરતા ફોટો પાડવા લાગ્યા. આકાશને તો બાંધી દીધો. મારી આ પરિસ્થિતિ તે સહન ન કરી શકયો પણ શું કરે? એવામાં કોઇ સહેલાણીને આવતા જોઇને એ ભાગી છૂટયા. બસ… એ પછી એ મને બ્લેકમેઇલ કર્યા કરે છે. મારા ફોટાનું મિક્સિંગ કરીને એણે સાવ વિકૃત  સિડી બનાવી છે જે મને એણે બતાવી હતી. હું છાનાછપના એને પૈસા પહોંચાડી દેતી હતી. આજે તેનો ફોન આવ્યો હતો. પણ… મારું શિલ હું અક્ષત રાખી શકી હતી. આકાશે પણ મને કદિ-‘

‘હા… હા… તું અક્ષત જ હતી અને છો. એ બાબતનું પ્રુફ મને મળી ચૂકેલું છે. એ કરતાંય મારી વાસંતી પવિત્ર છે. એનો મને વિશ્વાસ છે. હવે તું નિર્ભિયપણે સૂઇ જા.’

                                    ***

 અને મુકરર કરેલા ટાઇમે વાસંતી હોટલ પર આવી ત્યારે રણજીતે કહ્યું. ‘આવી ગઇ મારી રાણી ! વેલકમ …તારી તો વાટ જોતો હતો…’ એણે કંઇકેટલુંય ભવિષ્ય- ભૂતનું ભાષણ ભરડી નાખ્યું. વાસંતીના  બ્લાઉઝમાં એક માઇક્રો કેમેરો અને વોઇસ રેકોર્ડર ફીટ કરેલું હતું. યોગ્ય ક્ષણની રાહ જોવાતી હતી. એણે જેવો વાસંતીને હાથ લગાડયો કે એક ફેંટ તેની બોચી પર પડી. ‘કોણ ?’ તે ચીખી ઊઠયો. ઇન્સ્પેકટર જાડેજાએ એક ફેંટ તેના પેટમાં મારતા કહ્યું: ‘તારો બાપ…!’

 હળવીફૂલ  થઇને વિશાલને વળગીને સૂતેલી વાસંતી વિશાલને પૂછતી હતી, ‘વિશાલ,એક વાત પૂછું? મારો આટલો કલંકિત ઇતિહાસ જાણ્યા પછી પણ તું મને અનહદ પ્રેમ કરતો રહ્યો? એકવાર પણ તને મારા તરફ ધૃણા કે નફરત ન થઇ?’

 જવાબમાં વિશાલ હસ્યો, ‘એકવાર એવી અક્ષમ્ય ભૂલ મેં કરી નાંખી હતી. પછી એવી ભૂલ ફરીવાર કરવા નહોતા માગતો. હા, એ ભૂલનો પશ્વાતાપ તારા વડે કરીને હું પણ આજ હળવો થઇ ગયો. કોલેજમાં આશ્કાને પ્રેમ કરતો હતો. એકવાર આશ્કા પ્રવાસમાં ગઇ ત્યારે તેની સાથે પ્રવાસમાં ગયેલા ત્રણ છોકરાએ તેનું કીડનેપ કર્યું. બે કલાકમાં તે પાછી આવી ગઇ, પણ મને તેના ચારિત્ર્ય ઉપર શંકા ગઇ. તેણે ચિલ્લાઇ ચિલ્લાઇ કહ્યું કે, હું વર્જીન છું. પણ હું ન માન્યો. અંતે એણે આપઘાત કરી લીધો. ત્યારબાદ હું પણ ભીતરથી દુ:ખી થઇ ગયો. પરંતુ મામલો જાણીને તને આ કળણમાંથી કાઢીને હું પેલા પરોક્ષ પણ મારાથી થયેલા પાપના ભારથી હળવો થઇ ગયો છે. અને આમ પણ, સ્ત્રી કદી કલંકિત હોતી જ નથી. સંજોગો અને સમય જ તેને કલંકિત બનાવી દે છે…’

લેખક : યોગેશ પંડ્યા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment