“તારી સખાવતને સલામ” – ખરેખર કોણ પોતાના છે અને કોણ પારકા ત્યારેજ ખબર પડે જયારે દુઃખ આવે…

20

“તારી સખાવતને સલામ”

‘જુઓ, ઘા બહું ઊંડો છે. મગજના અમુક હિસ્સામાં લોહી ગંઠાઇ ગયુ છે. નાના મોટા ત્રણ હેમરેજ છે. સ્પાઇનલ કોડમાં પણ ગંભીર ઇજા થઇ છે. આ એક એવું મેજર ઓપરેશન છે, જે હું તો નહી કરી શકું બલ્કે કાલ બાર વાગ્યા સુધીમાં તમે મુંબઇ પહોંચી શકો તો જ તમારો દીકરો બચે. બાકી, જીવવાની કોઇ પોસિબિલિટી નથી. એન્ડ ધીસ ઇઝ ફેક્ટ…હું ખોટા આશ્વાસન નહી આપુ…’ડોકટરે કન્સ્લ્ટીંગ રૂમમાંથી બહાર આવતા આશુતોષને કહ્યું અને આશુતોષનાં પગ તળેથી જમીન ખસી ગઇ. તેની આંખે અંધારા આવી ગયા અને મગજ સન્ન થઇ ગયું. જાણે એકનાં એક દીકરાની જિંદગીની દોરી કોઇએ કાપી નાંખી. નાનાભાઇ ઓમકારે તેને પકડી લીધો અને ખુરશી ઉપર બેસાડી દીધો. પત્ની પાણી ભરીને દોડી આવી પૂછી રહી: શું થાય છે તમને?’

‘મને એકને નહી, જે થવાનું છે તે હવે આપણને સહુને થવાનું છે.’ જેવા શબ્દો આશુતોષનાં હોઠો ઉપર આવ્યા પણ તે ગમ ખાઇ ગયો પણ ભીતરનું દર્દ ગુસ્સો બનીને બહાર ઘસી આવ્યુ: ‘શું થાય મને? તને ખબર છે ને કે મેં ના પાડી હતી કે પતંગ લઇને અગાસી ઉપર ના ચડો. પડશો. પણ મારી વાત માને કોણ? ધરાર તે બેય છોકરાને ચડાવ્યે જ પાર કર્યા. અને તું? તું તો તારી દુનીયામાં ખોવાઇ ગઇ હતી. સહેજ ધ્યાન રાખ્યું હોત તો?

‘મોટાભાઇ…અત્યારે બહસ કરવાનો ટાઇમ નથી આપણે હવે પછી શું કરવું એ વિચારો.’ ઓમકારે આશુતોષને કહયું.‘પહેલા તો ડોકટરને ખર્ચાનું પૂછી જોઇએ .અમદાવાદમાં જ ઓપરેશન થતું હોય તો બીજા કોઇ ડોકટરનો સેકન્ડ ઓપિનિયન પણ લઇ લઇએ.’
‘ઓમકાર..’આશુતોષ ભીની આંખે નાનાભાઇ સામે જોયું ‘શાહ સાહેબ જે કહે એ ફાઇનલ જ હોય. અમદાવાદમાં જો સારૂ થઇ જતું હોત તો મુંબઇ જવાનું કહતે જ નહી હવે મુંબઇ સિવાય કોઇ ઓપ્શન નથી.’
‘પણ આપણે મળી તો લઇએ.’

‘હા..મળી લઇએ..કરતો આશુતોષ ઉભો થયો બંને ડો.શાહની ચેમ્બરમાં પ્રવેશ્યા. બહાર રડતી આંખે સ્મિતા બેહોશ-બેશુદ્ધ દીકરાની પથારી પાસે બેઠી છે. તેની પાસે રડતી મોટી બહેન નિરજા ઉભી છે. નિરજાએ ફૈબાને, મામાને ફોન કરી દીધા છે. એ લોકો નીકળી ચૂકીયા છે.

ડોકટરે આશુતોષ ઓમકારને જણાવ્યું: ‘કેસ ગંભીર છે. અમદાવાદ કરતા મુંબઇ બેસ્ટ છે.ખર્ચ ઘણો છે. લગભગ પંદર થી અઢાર લાખ જેવો. તમારે કાલ સવારે નવ વાગે પ્લેનમાં જવું પડે, તો જ ઝડપી સારવાર થાય. હું ડો.અસ્થાનાને વાત કરું છું એટલે તમે પહોંચો કે ઓપરેશનની તૈયારી થઇ જશે. બાકી, તમને મીસગાઇડ કરવા કે ખર્ચાના ખાડામાં ઊતારી દેવા કહેતો નથી. કલાક બે કલાકમાં નિર્ણય લઇ લેવો તમારી દીકરાની જિંદગી માટે બહેતર છે.’

પંદર થી અઢાર લાખ? હવે તો આશુતોષની સાથે ઓમકારનાં પગ પણ ભાંગી ગયા, બેંકમાંય ઉખેડીને કાઢો તોય પચાસ-સાઇઠ હજાર બન્ને ભાઇઓની પત્નીનું ઘરેણું કુલ લાખેક રૂપિયાનું! એ સિવાય બીજી કોઇ શક્યતા?

આશુતોષે ધ્રુજલા હાથે મિત્રોને ફોન કરીને વિગત આપતો રહ્યો. સાત મિત્રોનો મળીને અડધી કલાક પછી ફોન આવ્યો. તે લોકોએ ભેગા મળીને સવા લાખ જેટલી રકમ એકત્રિત કરી હતી.
‘મેડીક્લેમ નથી.?’ ડો.શાહે અંદર બોલાવીને પૂછીયું. ઓમકારે કહ્યું: ‘સર, મોટાભાઇનો નોકરીમાં લેબરકોર્ટમાં કેસ ચાલતો હતો હજી દોઢ વર્ષ પહેલાં જ કેસ જીત્યા. ન છૂટકે ઓફિસવાળાએ હાજર કર્યા. બાકી, હેડ ઓફિસે તો હજી, આગળ રીટ કરી હતી પણ હાઇકોર્ટે રીટને નકારી કાઢી.
‘તો કોઇ મૂડી?’

‘સાહેબ. નોકરીમાં કોર્ટકેસ થયા પછી દસ વરસથી મોટાભાઇ કપાસના જીનમાં મહેતાજી તરીકે નોકરીએ જતાં હતા. ત્યાં સાડા છ હજાર રૂપિયાનો પગાર આપતા હતા એમાંથી કરી કરીને કેટલી બચત થાય?’
‘જુઓ, હું પ્લેનનું ભાડું અને ખર્ચામાં રાહત અપાવી શકું બાકી પંદરની ગણતરી તો કરવાની રહે.’

‘હું જે.કે.શેઠને ત્યાં જતો આવું.’ ડોકટર પાસેથી બહાર આવ્યા પછી આશુતોષે કહ્યું:
દસ વરસ સુધી જીનનું અને એમના ઘરનું ધ્યાન રાખ્યું છે. પાંચેક લાખ જેવી વ્યવસ્થા કરી દેશે.’
‘સારુ’ ઓમકારે કહ્યું: ‘ત્યાં સુધીમાં હું મારા મિત્રોને અને જીજાજીને અને મારા-તમારા સાસરા પક્ષમાં વાત કરું છું.’
આશુતોષ જે.કે. શેઠ પાસે દોડ્યો.

જે.કે એ સિગારેટ સળગાવી હવામાં ધૂમાડા છોડ્યા. પછી ઝીણી આંખ કરીને કહ્યું: ‘મહેતાજી, જયારે બજારમાં કારકૂનને ત્રણ હજારનો પગાર આપતા ત્યારથી હું મહિને પાંચસો વધારીને આપતો. દીવાળી ઉપર એક પગાર બોનસ અને અમારા ઘરનાં પ્રસંગોએ તમને ચારેય સભ્યોને એક એક જોડી કપડાં હું આપતો. તમે પાંચ દસ ઉપાડ ઉછીના માગ્યા હોય ત્યારે મેં કદી ના નથી પાડી. બાકી, આટલી બધી રકમ તો મારી પાસે હોય જ નહી.’

‘પ્લીઝ શેઠ, મને મદદ કરો, મારો એકનો એક દીકરો જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે…’
‘પણ હું શું કરું મહેતાજી? મે તમને કહ્યું કે વધુમાં વધુ હું પાંચેક હજાર આપી શકું બાકી, આટલી બધી રકમ તો…? હવે આશુતોષનો અવાજ ગરમ થયો: ‘શેઠજી આબરૂની કિંમત કેટલી?’
‘એટલે?’

તમને યાદ છે ને? જે દિવસે આપની દીકરી પારૂલનાં લગ્ન હતા, તેની આગલી સાંજે એ સાવ મુફલીસ જેવા છોકરા સાથે ભાગી જવા નીકળી ગઇ હતી. એ ક્યાંયથી હાથ આવે એમ નહોતું અંતે મે શહેરનાં ડોન ગણાતા રાજભાનો સંપર્ક કર્યો અને તેને અડધી રાત્રે માંજલપુર રેલ્વે ફાટકેથી પકડી લીધી હતી. છતાં પણ એ કોઇની ધાક, ધમકી ડારા કે ડપારાથી માને એમ નહોતી ત્યારે મેં એને કીધું તું કે તેં મને રાખડી બાંધી છે અને તું મને સગો ભાઇ જ માનતી હોત તો આ રસ્તેથી પાછી વળી જા બહેન! નહીંતર આજ માંજલપુર ફાટકે હું કપાઇ જઇશ અને એ પાછી આવી’તી. તે દિવસે તમે મને કહ્યું હતું કે મહેતાજી તેં મારી આબરૂ અખંડ રાખી…’

અને આશુતોષ ગળગળો થઇ ગયો: ‘આજે મારી જિંદગીની કિંમત આંકી લો. તમે મારા દીકરા ને બચાવી લો. હું સરકારી નોકરીને ઠોકર મારી ફરીથી તમારે ત્યાં જોડાઇ જઇશ.’
‘નહીં મહેતાજી..આટલા બધા પૈસા નથી.’

આશુતોષ ઊભો થયો. ‘જયકિશન જીનીંગ પ્રેસમાંથી જ ઊભું કરેલુ તમારું સામ્રાજય: જે.કે.બ્રીક્સ,જે.કે.સ્ટીલ્સ, જે.કે.સીડ્ઝ, જે.કે રેમન્ડ કપડાનાં ચાર શો રૂમ, જે.કે.કોલેજીસ ઓફ કોમર્સ, બીઝનેસ એડમિનિસ્ટ્રેશન, હમિયોપેથી કોલેજ અને જે.કે.સંકુલ…આ જયારે કશું નહોતું ત્યારે આપની તિજોરીનો હિસાબ હું રાખતો હતો ખ્યાલ છે ને.?’
‘ધમકી આપો છો?’ જે.કે.ની આંખનો ખૂણો લાલ થઇ ગયો: ‘લેવા હોય તો પાંચ હજાર લઇ લો અને ચાલતી પકડો…’
આશુતોષ ભાંગેલ પગે બહાર નીકળ્યો. જઇને સીધો ઓફિસે ઊભો રહ્યો સાહેબને ચેમ્બર ખોલીને અંદર ગયો. વાત કરી સાહેબે કહ્યું, ‘મેકિસમમ વીસેક હજારની જોગવાઇ કરી શકું.’

‘સાહેબ, ત્રણ ચાર લાખ કરી દો તો સારું…કમસેકમ બોમ્બે તો પહોંચી જઇએ.’
‘તમારી પાસે કશી માલમિલ્કત ખરી?’ સાહેબે પૂછ્યું
‘પ્લોટ છે. ન્યુ એરોડ્રામ રોડ ઉપર.?’
‘એક કામ કરો.. મારા સાઢુભાઇને એ જ વિસ્તારમાં પ્લોટ જોઇએ છે. તમને પાંચ લાખ આપશે.’

‘સાહેબ..’ આશુતોષનો અવાજ થડકો ખાઇ ગયો. ‘એ પ્લોટ આજથી પંદર વર્ષ પહેલા સાવ સોંઘાઇ હતી ત્યારે મારી પત્નીએ એનું મંગળસૂત્ર વેચીને લીધો હતો અને આજે એના ભાવ આથથી દસ લાખ રૂપિયા આવે અને તમે પાંચ લાખમાં માંગો છો?’
‘જુઓ….આ તમારે પૈસાની તાત્કાલીક જરૂર છે એટલે થોડી બાંધછોડ કરવી પડે. સમજયા?’

આશુતોષને થયું પોતે આને એક લાફો ચડાવી દે! એ બહાર નીકળી ગયો. ઓફિસ સ્ટાફને વાત કરી. પચાસેક હજાર રૂપિયાની શા સ્ટાફે આપી પણ એટલામાં શું? કચેરીનાં કામકાજે આવતા રોજના ક્લાયન્ટ બેઠા હતા. બધાને વાત કરતો ગયો પણ એમાંથીય દસ હજારથી વધુ મળે એમ નહોતું! અચાનક નાનાભાઇનો ફોન આવ્યો એણે કહ્યું ‘હું દવાખાને આવું છું.’

‘કા, મોટાભાઇ? કાંઇ મેળ પડ્યો?’ ઓમકારે જતાંવેત જ પૂછ્યું.’
એણે કહ્યું: ‘શેઠ તો નામક્કર ગયા. સાહેબ મદદ કરવા માંગતા નથી. કલાયન્ટ્સ પાસેથી દસેક હજાર અને સ્ટાફવાળા પચાસ હજાર જેટલી મદદ કરશે.’
‘મે ફોન કર્યો હતો. જીજાજીને, મારા સાળાને, મિત્રોને, તમારા સાળાને… બધુ મળીને, બે લાખ જેવું થાય છે. પ્લસ લાખ તમારા ભાઇબંધો અને લાખ જેટલા ઘરેણાં.’

‘શું કરવું?’ બંને ભાઇઓ બેસી પડ્યા વિચારી રહ્યા. સાંજ પડી ગઇ. ડોકટરે બોલાવ્યા: શું થયું?’
‘ટ્રાય ચાલુ છે…’ ઓમકારે કહ્યું’
‘જુઓ…કાલ સવારે નવ વાગ્યે ઇમરજન્સીમાં લઇ જવાનું થશે. મે બોમ્બે અસ્થાનાને વાત કરી છે. એ અગિયાર વાગ્યે રેડી થઇ જશે. સીધુ જ ઓપરેશન છે. હવે વાર ન લગાડો. રાત્રે પ્લેનની ઇમરજન્સી ટીકીટ લઇ લો…’ બંને ભાઇ સન્ન થઇ સાંભળી રહ્યાં.

*****

‘તેર લાખનો ફાંસલો છે….ઓમકાર…’ બોલતા બોલતા આશુતોષનો કંઠ રૂંધાઇ ગયો: કાં તો તેર લાખ અને કાં પિન્ટુની જિંદગી…’
અચાનક પડખે આવીને કોઇ ઊભુ રહ્યું આશુના ખભે હાથ નાખીને બોલ્યું, ‘તેર લાખ પણ છે અને આપના દીકરાની જિંદગી પણ છે… તમે ચિંતા ન કરો…લ્યો, આ તેર લાખ અને મુંબઇ રવાના થાવ.’

આશુતોષે ચમકીને જોયું તો ઓફિસનો પટ્ટાવાળો શંભુ!
‘શંભુ તું?’ આશુ ચમકીને બોલ્યો: ‘તું કઇ રીતે આટલા બધા પૈસા લઇને આવ્યો? કયાંથી કાઢ્યા અને કઇ રીતે?
‘આશુતોષભાઇ, વાત નિરાંતે કરશું. સારવાર તાકીદે કરવાની છે પણ ટૂંકમાં કહું તો મારા ગામડાનું ચાર ભાઇઓનું મજીયારૂ ખેતર વેચ્યું એના બાવન લાખ રૂપિયા આવ્યા’તા અને મારા ભાગે આવેલા આ એ તેર લાખ છે.’

‘પણ તારા રૂપિયા?’
‘ચિંતા ન કરો સાહેબ. કદિ ઉધરાણી નહીં કરું. તમને યાદ નહીં હોય પણ મને યાદ છે, કે દોઢ વરસ પહેલા તમે તે દિવસે હજી ઓફિસમાં હાજર જ હતા અને તેજ દિવસે મારા દીકરાને બંદર રોડ ઉપર એકિસડન્ટ થયો હતો. તમે આગળ પાછળનું કંઇ વિચાર્યા વગર બેંકમાં પડેલી લાખ રૂપિયાની રસીદ તોડીને રકમ મારા હાથમાં મૂકી દીધી’તી. એટલું જ નહી પણ અડધી રાત્રે પહેર્યે લૂગડે મારી સાથે અમદાવાદ આવવા નીકળી ગયા હતા. એ હું ભૂલ્યો નથી. બાકી તો, મારે આ ઓફિસમાં વીસ વરસ થયા. એ આ જ સ્ટાફ હતો ને આ જ સાહેબ હતા પણ… પણ મને બધાનો અનુભવ તે દિ’ થઇ ગયો હતો…ઠીક ચાલો, વાતુ કરવાની વેળા નથી, બાબાભાઇની જિંદગીનો સવાલ છે..’

આશુતોષ શંભુના ખભે માથુ મુકી આખી હોસ્પિટલ સાંભળે એમ પોક મૂકીને રડી પડ્યો!!!

લેખક : યોગેશ પંડ્યા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment