“વાત એક રેશમની…”- એક ગામડાની સ્ત્રીની વેદનાની વાર્તા…

52

સાંજ પડી ગઇ હતી શિયાળાનો દિવસ હતો. આછું આછુ અંધારૂ પથરાયુ હતું તેજો સામે શેઢેથી ચૂપકીદીથી ઓરડી તરફ આવ્યોને કોઇ ઓળો આંબાવાડિયા માંથી બહાર નીકળીને ઓરડી પાછળ થઇને ભાગી છૂટયો અને એજ વેળાએ આંબાવાડિયા પાછળથી રેશમ હાથમાં રજકાનો ભારો લઇને આ તરફ આવી. તેજો લાલધૂમ આંખે રેશમને તાકી રહ્યો: ‘કોણ હતુ એ?’

‘કોણ?’ રેશમે પણ તેજાને એજ સવાલ કર્યો: ‘તમે કોની વાત કરો છો?’

અરે તારી તે… તેજો ગુસ્સાની આગથી ભભૂકી ઉઠયો: ‘આંધળી થઇ ગઇ છો કે પછી દેખતી ન હોવાનો ઢોંગ કરે છો? અરે, હમણાં તારી પહેલાં જ તને મળીને ગયો ઇ નપાવટની વાત કરુ છું તને..’

પણ મને તો કોઇ મળ્યું જ નથી પછી વાત કેવી ને ઢોંગ કેવા?’ ‘હું તો અહીં રજકો વાઢતી હતી જુઓ આ દાતરડું અને આ રજકો.આમાં કયા કોઇ વાત આવી?’

‘’અરે, તને કહું છું ઇ…એ બોલ્યો પણ એમ તુ નહી માને કયારેક રંગે હાથે પકડીશ ત્યારે તારો કાન આમળીને કહીશ કે આ સગલો તારો છે કે પછી મારો છે?’’

રેશમ એકીટશે તેની સામે જોઇ રહી અને પછી ફળફળતો નિ:શ્વાસ નાખીને ઓરડી તરફ ચાલી ગઇ.

આ વાતને દસ-બાર દિવસ થયા હશેને એક દિવસ તેજો ટ્રેકટર લઇને પાદરે રેશમની રાહ જોતો કંટાળી રહ્યો હતો ત્યાં જ રેશમનો ખીલખીલાટ હસવાનો અવાજ આવ્યો. તેજોએ ચમકીને પાછળ જોયું તો એક સાયકલવાળો જુવાન ઉભો હતો અને રેશમ તેની સાથે લળી લળીને વાતો કરી રહી હતી. પેલો પણ, રેશમની સાથે જાણે પોતાની કોઇ ‘સગલી’ હોય એમ જ વાતોના તડકા મારી રહ્યો હતો. તેજો લાય લાય થઇ ગયો. સાલી આ નક્ટી માનશે નહીં: “કોણ જાણે ક્યા હલકટનાં લોહીની બનેલી છે તે ભાયડાઓથી ધરાતી જ નથી.” ટ્રેકટર ત્યાંને ત્યાં જ પડતું મૂકીનેએ ઘસ્યો.

જોકે પેલો આ વાતથી બે ખબર હતો પણ “કાગને બેસવું અને ડાળને ભાંગવુ” એમ પેલો એજ પળે સાયકલ લઇને નીકળી ગયો અને રેશમ મલપતી મલપતી ટ્રેકટર તરફ વળી ધસ્યે આવતા તેજાએ લાગલુ જ એનું બાવડું પકડીને ઝંઝેડી નાખી “હાળી છાનગપતણી! કોની હારે આમ ઉલાળા લેતી હતી? કોણ હતો તારો ભાઇબંધ?”

“રેશમે આજ તીખી નજરે તેજાની સામે જોયું અને પછી બોલી “તમે જેવું ધારો છો એવું નથી,એ મારા પિયરનો મારી શેરીમાં રહેતો મારા સગા ભાઇ સરીખો કેશવ હતો. સાયકલ લઇને એનાં મામાને ત્યાં ખીહર (ઉતરાયણ) કરવા જતો હતો. હું મળી ગઇ તો ઉભો રહી ગયો એમાં તમારે ઓચાકોચા બોલવાની જરૂર નથી સમજ્યા?”

“હવે ઓચાકોચાની દીકરી થા મા…તેજાએ એક થપાટ નાખી દીધી: “મને ખબર છે કે તું કેવી છો. આજે ઓલ્યો, તો કાલે પેલો. આદમીથી ધરાતી જ કયાં છો? પણ ખબરદાર, આજ પછી કોઇ પરાયા પુરૂષ સાથે વાત કરી છે તો..”

રેશમની આંખો ચૂઇ પડી. કાળજે કરવત લાગી હૈયા ઉપર બળબળતા ડામ પડ્યા. કડવાશનાં ઘૂંટડા ગળા નીચે ઉતારી ગઇ અને કશું પણ બોલ્યા વગર ટ્રેકટર તરફ ચાલતી થઇ ગઇ.

આ વાતને મહિનો જેવું થયું હશે. દિવાળી પછી ચોપવામાં આવેલા ઘઉ હવે મોટા થઇ ગયા હતા પણ વાતાવરણમાં પાછોતરા પોષનો તડકો જલદ બન્યો હતો. ઓણ સાલ વરસાદેય ખૂબ ઓછો હતો એટલે ઘઉને પાણતની જરૂર હતી પણ આ તરફ અચાનક તેજાની બા સમજુબા માંદા પડી ગયા. મોટા દવાખાને લઇ જવાની જરૂર પડી, દાખલ કર્યા.

તેજો રેશમને કહે: એક કામ કર, તું ઘરે જા અને પડખેવાળા રામને કહેજે કે આપણા પડામાં મોટર ચાલુ કરીને ઘઉ પાઇ દે.

‘પણ મને..એકલા જવાનું? અને વળી તમે નહીં” ‘

એની ચિંતા ન કર રામ મારો સગો ભાઇ છે અને એની ઉપર મને વિશ્વાસ છે પણ હા, પાણી વાળતા તારે શીખવું પડશે. રામને બસ્સો વિધાની જમીનમાં ટાઇમ રહે ન રહે’

“સારુ…કહી રેશમ ઘરે આવી.સાંજે રામને વાત રામ કહે: વાંધો નહી ભાભી…તમ તમારે ચિંતા ન કરો. હું જ પાણી વાળી દઇશ, તમારે ડાબુ જમણું હથેળી જેવડું પડુ છે, એવડા પડામાં પાણી વાળતા વાર શી?”

“તો સારૂ રામભાઇ…એક તો અમારા બાને દાખલ કર્યા છે અને તમારા ભાઇને દવાખાને રોકાવું પડે એમ છે…અને મને તો કાંઇ પાણી વાળતા થોડુ આવડે? ઇ તો તમારુ આદમીનું જ કામ…” રેશમની કાળી આંખોમાં આભારનું ચોમાસુ આવીને બેસી ગયુ.

રામે એના ગાલે ટપલી મારીને કહ્યું: “એ બધી ચિંતા છોડી દો, હું આવડો મોટો તમારો દિયર બેઠો જ છે ને? આદમીને કરવાનું હોય ઇ બધાય કામ કરી આપીશ બસ? પછી કહે: “તમને તમારા ઘરવાળાની જરાય જેટલી ઉણપ કે ઓછપ નહીં આવવા દઉ બસ?”

લેહરાતા મોલની સંગાથે ઊડ ઊડ કરતી ગુલાબી ઓઢણી ઓઢીને સીમની લીલીછમ્મ મોલાત જેવું રેશમ હસી રહી હતી. મંદ મંદ રેશમી પવન વાતો હતો ઘરે રાખેલી બેય ગાય માટે થોડી જુવાર વાઢી જાઉ એમ વિચારીને માથોડું ઊભેલી ઘેરામાં વાઢવા ગયેલી રેશમની પીઠે અચાનક કોઇ પુરૂષનો સ્પર્શ થયો એ જ વેળા એ ચોંકી ઉઠી પાછુ ફરીને જોયું તો રામ!

‘રામભાઇ તમે !’ એ ધ્રુજતી ધ્રુજતી બોલી ઉઠી. જવાબમાં રામની આંખોમાં વાસનાના પૂર છલકાયા ‘ભાભી આ આખા વગડામાં એક તમે છો, એક હું છું અને તમારી દશા હું જાણું છું કે તેજો તમને પતિ તરીકેનો પ્રેમ નથી આપતો પણ પતિ તરીકેની પીડા આપે છે પણ હું તમને ન મળેલા પ્રેમની પૂર્તિ કરી દઇશ’

“તમે ખોટા સરનામે આવી ગયા રામભાઇ” રેશમનાં હોઠ માંથી શબ્દો ફૂટીયા તમે જેવી ધારો છો એવી સ્ત્રી નથી. હું મર્યાદાનું ઓઢણું ઓઢીને મારા પતિનાં ધરે આવી છું. મને શરીરનાં સુખની ખેવના કે વાછના નથી. અગર આપણી વચ્ચે કડવું વવાઇ જાય એની પહેલા તમે મને છોડી દો તો સારુ છે.”

“ઓહોહો…” અચાનક રામનો મિજાજ પલટાયો: “તું કેવીક મર્યાદાનું ઓઢણું ઓઢીને આવી છો ઇ મને ખબર છે તું ઉબરો વટીને તો કે દૂ’ ની બહાર નીકળી ગઇ છો તેજો અમથો નથી કહેતો.”

“ઇ એની ભૂલ છે કે મને ઓળખી નથી શકયા પણ મારા હસી ખુશી ભર્યા સ્વભાવને હું બાંધી શકતીએ નથી. જાણે અજાણે મારાથી વા’ હારેય વાતું થઇ જાય છે અને એને મારા ઉપર વહેમ પડે છે.”

“પણ મારા ઉપર નહીં પડે. ઇ જવાબદારી મારી. તમારે વા’ હારે વાતું થઇ જાય છે એમ આજે અહીંયા જ મારી સાથે મુલાકાત કરીને એક સુખરાત પણ કરી લો.”

એમ કરતા’ક ને રામે રેશમને પોતાની સાથે ભીંસી દીધી. રેશમની ફરતે તેના હાથનો ભરડો મજબૂત બનતો જતો હતો પણ એક પળે ઉપરવાળો રેશમની મદદે આવ્યો. કકરાવેલા દાતરડાની ધારનો છરકો રામને થતાં જ ભીંસ ઢીલી પડી કે રેશમ જુવારનાં ઘેરા માંથી ભાગી છૂટી પણ રામ પાછળ જ હતો. રેશમ દાતરડીને પડતી મૂકીને ઓરડી ભણી ભાગી. તેને થયું કે આજ નક્કી મારી આબરૂ ઉપર ડાઘ લાગી જશે પણ એજ વેળાએ પડખેની વાડીવાળો એભ આવી પહોંચ્યો. રામ ઘેરામાં છૂપાઇ ગયો.

એભલે ચિંતિત સ્વરે પૂછયું: “કાં કા ભાભી! શું થયું?” પણ રેશમનાં શરીરમાં જવાબ આપવાનાં હોંશ ન હતા. એ ફસડાઇ પડી.

******

તકનો લાભ લઇ રામ છાને પગલે ભાગી છૂટયો અને તેજાની માં ની ખબર કાઢવા દવાખાને જઇ પહોંચ્યો.

તેજો કહે: ‘અરે, તારી ભાભીને તો મે ગામડે મોકલી છે, તને કાલ મળી નથી?’ જવાબમાં રામો કહે: ‘હવે ઇ બાઇની વાત કર મા. એની ચૂંગાલ માંથી તો કાલે માંડ છટકયો..”

“કેમ? શું કર્યુ એણે?”

હવે રહેવા દે. મારે કોઇ વાત નથી કરવી બને એટલી વહેલી તકે આને ફારગતિ આપી દે! એમ કહીને ગોઠણથી ઘડેલી સાવ નરાતાળ જૂઠનો ચિતાર એણે તેજાની આગળ રજૂ કરી દીધો.

*******

આ તરફ રેશમ, એભલને કહી રહી હતી: “આ વાત તમે તમારા ભાઇને કહો તો તમારી ભાઇબંધીનાં સમ છે પણ રામનાં રૂપમાં હવે તો અહીં ઘરે ઘરે રાવણ રાજ કરે છે! સારૂ થયું કે તમે ખરે ટાંકણે આવી પહોંચ્યા નહિતર આબરૂનાં ઓઢણા ઉપર કલંકનો ડાઘ લાગી જાત.”

બીજા દિવસે ઓચિંતાનાં છાના પગલે નવેળીમાં ઊભા રહી ગયેલા તેજાએ જોયું તો ઓરડી માંથી રેશમ સાથે કોઇ પુરૂષનાં પણ અવાજ સંભળાતા હતા. એ છાને પગલે ઓરડીનાં જાળિયા માંથી ડોકાયો,તો રેશમ એભલ સાથે કોઇ વાતે ખડખડાટ હસતી હતી.

તેજો એ જ પળે ઓરડીમાં ધસ્યો અને રેશમનું બાવડું પકડીને ખેંચી: “સાલી કૂલટા! હલકટ….હું અમથો તો તને ન હો તો કહેતો કે તું ભાયડાની ભુખી છો! આજ તો તનેય ખબર પાડી દઉ કે તેજાનાં ઘરનો ઉંબરો વળોટવાની કેવી સજા હોય છે! “ એમ કરતા’કને ચોટલેથી ખેંચી રેશમ હાકાબાકા થઇ ગઇ. ચોટલો પકડીને ધસડતો ધસડતો તેજો રેશમને બહાર લાવ્યો આજે એક જ ધારિયાનો ઘા અને એ ભેળી તારી લીલા પુરી..” ‘અરે પણ..તેજા તું આ શું કરે છે? “એભલ વચ્ચે પડીને રેશમને છોડાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું:” ભલા માણસ, તું ભાભીને મૂકી દે…એમનો શું વાંક છે ભઇલા! એતો પાણી વાળતા વાળતા મોટરનો ફ્યુઝ ઉડી ગયો તે બાંધવા આવ્યો હતો, વાતમાં બીજુ કાંઇ નથી તેજા..તું નાહકનો…”

‘હવે તું તો મને મૂકી જ દે જે નહિંતર આ ધારિયુ…સગું નહીં થાય..”

“તો પછી કરી લે ઘા…” એભલ પણ અસલી મિજાજમાં આવી ગયો:” તારે ઘા જ કરવો હોય તો સૌથી પહેલા રામ ઉપર કર. જેણે ભાભી ઉપર બદનજર નાખી હતી એ તો ટાંણે હું આવી પહોંચ્યો કે તારા ઘરની આબરૂ લૂંટાતા લૂંટાતા રહી ગઇ…આ તો બિચારી મારી ભાભીએ મને આપણી ભાઇબંધીનાં સમ આપ્યા હતા પણ જયારે હવે સત અને અસતનું યુધ્ધ છે એ ટાણે મારે સમ ભાંગવા પડે તો કુરબાન છે પણ તારી આંખે બાંધેલા અંધવિશ્વાસનાં પાટા ખોલ્યા સિવાય કોઇ આરો નથી…જા, પેલો ઘા કરી આવ રામને.”

“હા…હા…સામે શેઢેથી દોડી આવેલા વશરામ ભગત પણ બોલ્યા: “સાચી વાત છે એભલની! અરે રેશમ વહુ તો ચોવીસ કેરેટનો હીરો છે હીરો પણ પરખ તને કરતા ન આવડી…ધૂળ પડી તારા જીવતરમાં તેજા! ધૂળ પડી…

અવાચક બનેલા તેજાનાં હાથ માંથી ધારિયુ નીચે પડી ગયુ. એણે બેબસ આંખે જયાં રેશમ ઊભી હતી ત્યાં જોયું પણ એક જ પળ…

બીજી જ પળે પેલુ ગુલાબી ઓઢણું હવામાં ઊડ્યું “ધબ્બાક…” કરતો એક અવાજ આવ્યો અને રેશમનાં જીવતરનું લુખ્ખુ સુખ્ખુ સત્ય ભાડિયા કૂવાનાં પાણીની સપાટી ઉપર કાયમ માટે અંકિત થઇ ગયું ….!!

લેખક : યોગેશ પંડ્યા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment