વાઇરસ બુલેટ ટ્રેનની ઝડપે ફેલાય છે આપણા શરીરમાં, શું કરશો તેનાથી બચવા…

28

દિન પ્રતિદિન મેડીકલ સુવિધાઓ જેટલી ઝડપથી વિકસી રહી છે તે જ ઝડપથી ખર્ચાળ પણ બની રહી છે. એટલે આપણું શરીર અને ખિસ્સું બંને ખખડી પડે તેવી શક્યતા ખરી. અન્ય એક મહત્વની બાબત એ છે કે નબળું સ્વસ્થ્ય આપણું મનોબળ ઢીલું પાડી શકે અને એ એક ખતરનાક બાબત છે.

સામાન્ય સ્વાસ્થ્યને સૌથી વધુ જોખમ ‘ઇન્ફેકશન’થી રહે છે. આ ઇન્ફેકશનનો ફેલાવો ખોરાક, પાણી અને હવાથી ભલે થાય પણ તેના મૂળમાં આપણી આસપાસ હજારોની સંખ્યામાં ફરતા ટચુકડા શેતાન જીવાણુઓ છે. પ્રોટોઝુઆ, ફન્ગસ, બેક્ટેરિયા, વાયરસ જેવા અનેક પ્રકારના કિટાણુંઓ પૈકી સૌથી ખરાબ, સૌથી શાતીર, સૌથી ઝેરીલા હોય તો વાયરસ. બાકીના બીજામાંથી અમુક આપણે મદદરૂપ પણ થાય પણ આ વાયરસ તો ‘રામાયણ’ ‘મહાભારત’ના દાનવોના વંશજો જેવા. એમની વૃત્તિ જ નુકસાન કરવાની. કોઈનું ભલું એમનાથી થાય જ નહિ. એટલે જ એમનું નામ વિષાણું. એક વખત એમને શરીરમાં એન્ટ્રી મળે એટલે શરીરનું ઓપેરેશન કરી નાખે અને પેલા મહાભારતના જરાસંધ જેવા જીદ્દી પણ ખરા કે જેને ભીમ ચીરીને ફેંકે તોયે મારો વ્હાલો પાછો જોડાઈ જાય. એમ આ ઝેરના પડીકાઓ પણ જલ્દીથી મચક ના આપે. આપણી દશા બેસાડી દે. એઈડ્સથી લઈને સ્વાઇન ફ્લુ સુધીના જાણ્યા અજાણ્યા રોગોના આ વાઇરસો એ એકસામટા હજારો માણસોનો ખાત્મો બોલાવી દીધો હોવાના દાખલા આપણી નજર સામે છે. આ વાઈરસની સામે પ્રતિકાર માટે રસીઓ સતત શોધાતી રહે છે, રીસર્ચ સતત ચાલુ જ છે. અને સફળતા પણ મળે છે જેનો ઉત્તમ દાખલો છે “શીતળા”. તમને આંકડો અતિશયોક્તિભર્યો લાગશે પરંતુ શીતળાએ તેમના એક સૈકાના યુવાની કાળમાં ચાલીસથી પચાસ કરોડ લોકોનો ભોગ લીધેલો છે. ફક્ત એ સૈકા પહેલા અને પછીનો આંકડો તો અલગ. મહાન સિકન્દર અને તેના સૈન્યને ભોયભેગું કરવામાં આ શીતળાનો સિંહ ફાળો છે. બેબીલોનમાં રોકાણ દરમિયાન એલેકઝાન્ડર અને તેના ઘણાખરા સૈનિકો શીતળાના તાવમાં માર્યા ગયા હોવાનું ઈતિહાસમાં વાંચેલું છે. અને નેતૃત્વના અભાવે આખા સામ્રાજ્યનું અસ્તિત્વ ભુંસાઈ ગયેલું. કહે છે કે રોમની લગભગ ત્રીજા ભાગની વસ્તી શીતળામાં મરણ પામી. પરંતુ આ માનવભરખી વિકરાળ શીતળા વાઇરસને સંપૂર્ણપણે નાથવામાં મેડીકલ સાઈન્સ સફળ રહ્યું છે. બ્રાવો…

શીતળાના વાઇરસને આપણે નાથ્યો તો ગેમ ઓવર કેમ ના થઇ? તેનું કારણ છે કે વાઈરસ જેવો ચાલાક, ખંધો, પૈતરાબાજ અને બહુરૂપી સજીવ આપણી ધરતી પર બીજો એકેય નથી. અનુકુળ સંજોગો ના મળે ત્યારે મીંઢા થઈને ખૂણો પકડી લે અને કાચબાની ઢાલ જેવા કોચલામાં સંતાઈ જાય. દિવસો, મહિનાઓ અને ક્યારેક વર્ષો ના વર્ષો સુધી જાણે નિર્જીવ હોય તેમ કોઈ હવા, પાણી, ખોરાક વિના પડ્યા રહે અને જેવી અનુકુળતા સર્જાય એટલેકે કોઈ બકરો મળે કે તરત જાગૃત થઇને હુમલો શરુ કરી દે. વળી, કોઈ પ્રાણી કે વનસ્પતિ શરીરનો વાઈરસ માણસમાં પ્રવેશે તો ભૂખ્યો ના મરે, ધીરે ધીરે પોતાની રચના માનવ શરીરને અનુરૂપ અથવા તો માનવ શરીરને હેરાનગતી કરવાની અનુરૂપ બનાવી લે. જેમ કે, એઈડ્સનો વાઈરસ ચિમ્પાન્ઝીઓ માંથી કોઈ હબસીના શરીરમાં પ્રવેશ્યો હોવાનું માનવામાં આવે છે. તેજ રીતે સ્વાઈન ફ્લુ ડુક્કર માંથી માનવજાતમાં ફેલાયો છે. બર્ડ ફ્લુ અને ઈ બોલા પણ આજ પ્રકારના ઉદાહરણો છે.
વાઈરસથી થતા કેટલાક રોગો અત્યંત ઘાતક અને જીવલેણ છે, જેમ કે સ્વાઈન ફ્લુ તેમજ ઈબોલા. ફક્ત કેટલાક દિવસોના ઇન્ફેકશનમાં આવા વાઇરસ મનુષ્ય શરીરનો ખાત્મો બોલાવી દે છે, તેમનું નિદાન થઇ ઉપચાર શરુ થાય એટલામાં તો રામ નામ સત્ય થઇ જાય છે. અને ફેલાવો પણ બુલેટ ટ્રેન જેવો. હવા મારફતે એકસાથે સેંકડોના શરીરમાં ચેપ ફેલાવી દે. આવા અનેક વાઈરસ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જેમાંના ઘણાની આપણે હજુ પિછાણ જ નથી. આક્સ્મીક સંજોગોમાં તેઓ કયા પ્રાણી માંથી માનવ શરીરમાં ઝંપલાવી હુમલો બોલાવશે તે કહી ના શકાય. અને આવા વાઇરસો એ મારેલા માણસોનો આંકડો નાના મોટા યુધ્ધોમાં મરેલા માણસોના આંકડાને આંટી મારી જાય તેમ છે.
હવે ખૂબીની વાત એ છે કે આટલા ખતરનાક આખેઆખી પ્રજાતિનો ખાત્મો બોલાવી દેતા વાઈરસ ખુબજ ટચુકડા હોય છે. ફક્ત એક કોષના તેના શરીરમાં ફક્ત એક ક્રોમોઝોમ અને નવ જનીનો હોય છે. જયારે આપણા મનુષ્યના શરીરમાં ૨૩ ક્રોમોઝોમ અને ત્રીસ હજાર જનીનો હોય છે. એક જમાનામાં ફક્ત પ્રાણીસૃષ્ટિમાં રહેતા આવા વાઇરસો આશરે ૧૨૦૦૦ વર્ષ પહેલા વિકાર પામ્યા અને મનુષ્યને પોતાનો યજમાન બનાવવામાં સમર્થ બન્યા. અને આજે સામાન્ય શરદીથી માંડીને એઇડ્સ કે ઇબોલા સુધીના હજારો વાઈરસો એ આપણા માનવ શરીરોને પપ્પાનું ઘર બનાવી ધામા નાખી દીધા છે. આફ્રિકામાં આવેલા ગીચ જંગલ વિસ્તારોમાં પ્રાણીઓને લાગેલા આ પીસાચી વાઇરસો કઈ ઘડીએ માનવ શરીરમાં પ્રવેશે તે નક્કી નહી, ઈનફેક્ટ આફ્રિકાના પછાત પ્રદેશોમાં અનેક વાઇરસો ઓલરેડી ચિત્ર વિચિત્ર રોગોથી પ્રજાને પજવી રહ્યા છે પરંતુ આદિવાસી પ્રકારના આ લોકોના બહારના વિશ્વ સાથેના સમ્પર્કને અભાવે તેમનામાંથી બચી રહ્યા છીએ. પણ ધીરે ધીરે આ પ્રદેશોનો વિકાસ થાય તેમ આવા વાઇરસો આપણા પ્રવાસે આવવાના શરુ થશે અને આ નકટા મહેમાનો આવે તો પોતાની મરજીથી છે પરંતુ જવાનું નામ લેતા નથી.

હવે આ અસુરોને મારવાના અસ્ત્રોની વાત કરીએ તો જેમ આગળ કહ્યું તેમ દવાઓ અવિરતપણે શોધાઈ રહી છે પણ વાઈરસ બહુરૂપી આયામ ધરાવે છે. દરેક દવા સામે પ્રારંભિક રીતે નબળા પડ્યા બાદ ધીરે ધીરે દવા સામે ઝીંક જીલવા પોતાના ટચુકડા શરીરમાં અનુકુળ ફેરફારો કરી લે છે અને પછી હુ..હુ..હા..હા.. કરતા પાછી એન્ટ્રી મારે છે. આપણા વડીલો આપણે નારાજગી પૂર્વક કહેતા હોય છે કે હવેની પેઢી દેશી વૈદામાં માનતી નથી તો એમને નમ્રતાપૂર્વક પોતાના વાક્યમાં સુધારો કરવા અનુરોધ છે કે હવેના વાઈરસ દેશી-વિદેશી સેમાય માનતા નથી. વોર ઇઝ ઓન…
હવે આપણા પક્ષે આ વાઇરસ સામે કોઈ બખ્તર ખરું? તેનો જવાબ મારા કોમન-સેન્સ પ્રમાણે એવો છે કે બને તેટલી સ્વચ્છતા મદદરૂપ બની શકે, આપણે ભારતીયો જોકે એટલા બુદ્ધિશાળી છીએ કે પોતાના ઘરને સાફ કરી ફળિયામાં ઉકરડો કરવાને સફાઈ કહીએ છીએ. જાણે ઉકરડામાં થતા જીવાણુઓ એ તેમના ઘરમાં ના પ્રવેશવાના સોગંધ લીધા હોય. રોડ પર અને સરકારી કચેરીઓમાં પાન અને ગળફા થુંકીને સ્માર્ટ ફિલ કરતાં હિન્દુસ્તાનીઓને બીજાના ગળફાના વાઈરસ પોતાને ના લાગવાની પ્રોમીસરી નોટ મળી છે કે શું? આમ સફાઈનો અર્થ સાર્વત્રિક સફાઈ છે. મારી બાજુથી ધક્કો મારીને તારી બાજુ ખસેડી દેવું તેવો નથી. અને આ વાઇરસોને હંફાવવા બીજું કઈ કામ આવે તેમ હોય તો તે છે મજબુત પ્રતિકારશક્તિ. જેવા બહુ આયામી આ વિષાણુંઓ છે તેવી જ બહુ આયામી આપણી ઈમ્યુન સીસ્ટમ છે. ધીરે ધીરે દરેક ઝેરનું મારણ તે વિકસાવી લે છે. મજબુત પ્રતિકાર શક્તિ ઝડપથી કોઈ બારાતુ ચેપને હલ્લો બોલાવવા નથી દેતી. સાત્વિક અને મજબુતી બક્ષતા આહારો અને વિચારો સાથે થોડી શરીર અને દિમાગની કસરત આપણી પ્રતિકારશક્તિને પાવરફુલ બનાવી શકે. “સો સ્ટે પોઝીટીવ સ્ટે હેલ્ધી…”

લેખન : હેલી વોરા

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment